અમેરિકામાં બૅટમૅનની ફિલ્મના શો દરમ્યાન ફાયરિંગથી ૧૨નાં મોત

21 July, 2012 06:30 AM IST  | 

અમેરિકામાં બૅટમૅનની ફિલ્મના શો દરમ્યાન ફાયરિંગથી ૧૨નાં મોત

 

 

 

અમેરિકાના કોલોરાડો સ્ટેટમાં ડેનવર શહેરમાં બૅટમૅન સિરીઝની લેટેસ્ટ ફિલ્મ ‘ધ ડાર્ક નાઇટ રાઇઝિસ’ના શો દરમ્યાન એક યુવાને થિયેટરમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કરતાં ૧૨ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને ૫૦થી વધારે દર્શકોને ઈજા પહોંચી હતી. ૨૨ વર્ષના યુવાને સ્મોક-બૉમ્બ ફોડ્યા બાદ ફિલ્મ જોઈ રહેલા લોકો પર ગોળીબાર કર્યો હતો. શો દરમ્યાન અચાનક હૉલમાં ધુમાડો પ્રસરતાં પહેલાં તો દર્શકોને કોઈ સ્પેશ્યલ ઇફેક્ટ જેવું લાગ્યું હતું, પણ જ્યારે અસલી ગોળીબાર શરૂ થયો ત્યારે લોકોએ નાસભાગ કરી મૂકી હતી.

 

 

પોલીસના જણાવ્યા પ્રમાણે જેમ્સ હોમ્સ નામના ૨૨ વર્ષના બંદૂકધારીએ ડેનવરના સેન્ચુરી-૧૬ નામના મલ્ટિપ્લેક્સ થિયેટરમાં ઘૂસીને ફાયરિંગ કર્યું હતું. તેણે પોતે બુલેટપ્રૂફ જૅકેટ પહેરેલું હતું. ઘાયલોમાં ત્રણ વર્ષના એક બાળકનો સમાવેશ છે, જેને હોમ્સે નજીકથી ગોળી મારી હતી.

 

અડધા કલાક પછી ફાયરિંગ શરૂ

 

મૃત્યુ પામેલાઓમાં સ્થાનિક ટીવી-પત્રકાર જેસિકા ગેવીનો સમાવેશ હતો. ગોળી વાગી એ પહેલાં તે ફિલ્મના એક્સાઇટમેન્ટ બાબતે ટ્વીટ કરી રહી હતી. નજરે જોનારાઓના જણાવ્યા પ્રમાણે બંદૂકધારીએ એક રાઇફલ અને બે હૅન્ડગનથી વારાફરતી ફાયર કર્યું હતું. ચોક્કસ વ્યક્તિઓને શૂટ કરવાને બદલે તે અંધાધૂંધ ગોળીબાર કરતો હતો. ફિલ્મ શરૂ થયાની ૩૦ મિનિટ પછી જ ફાયરિંગ શરૂ થયું હતું.

 

બરાક ઓબામાનું રીઍક્શન

 

ગોળીબારની આ ઘટના બાદ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ આઘાતની લાગણી વ્યક્ત કરી હતી. હુમલાને ભયાવહ ગણાવતાં ઓબામાએ કહ્યું હતું કે મારી પત્ની મિશેલને પણ આ ઘટનાને કારણે અત્યંત દુ:ખ થયું છે. અમેરિકી તપાસ સંસ્થા એફબીઆઇએ કહ્યું હતું કે હુમલાને આતંકવાદ સાથે કોઈ સંબંધ નથી. ગોળીબાર કરનાર જેમ્સ હોમ્સને બાદમાં થિયેટરની પાછળ આવેલા પાર્કિંગ એરિયામાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસ-કસ્ટડીમાં હોમ્સે તેના ઘરે વિસ્ફોટકો હોવાનો દાવો કર્યો હતો એ પછી પોલીસે તેના ઘરે દરોડો પાડ્યો હતો.

 

ફિલ્મના વિલનની અસર હેઠળ હતો હુમલાખોર

 

પોલીસના કહ્યા મુજબ થિયેટરમાં ચાલુ ફિલ્મે ગોળીબાર કરનાર બંદૂકધારી યુવાને ફિલ્મ ‘ધ ડાર્ક નાઇટ રાઇઝિસ’ના વિલન બૅન જેવો લુક ધારણ કર્યો હતો. ફિલ્મનો વિલન ચહેરા પર માસ્ક પહેરી રાખે છે. ગઈ કાલે ફાયરિંગ કરનાર યુવાને પણ બૅનના પાત્રની જેમ ચહેરા પર માસ્ક અને બ્લૅક કપડાં પહેયાર઼્ હતાં.

 

બૅટમૅન સિરીઝ સાથે જોડાયેલી અણધારી ઘટનાઓ

 

બૅટમૅન સિરીઝની લગભગ તમામ ફિલ્મો સાથે કોઈ ને કોઈ અણધારી ઘટનાઓ જોડાયેલી રહી છે. અગાઉ ૨૦૦૮માં ફિલ્મ ‘ધ ડાર્ક નાઇટ’ રિલીઝ થઈ એના છ મહિના પહેલાં ફિલ્મના મુખ્ય વિલનનું પાત્ર ભજવતા અભિનેતા હીથ લેજરનું દવાઓનો વધુપડતો ડોઝ લેવાથી મૃત્યુ થયું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન થયેલા કાર-ઍક્સિડન્ટમાં એક સ્પેશ્યલ ઇફેક્ટ ટેક્નિશ્યનનું મોત નીપજ્યું હતું, તો ફિલ્મના ઍક્ટર મૉર્ગન ફ્રીમૅન પણ એક અકસ્માતમાં સહેજ માટે બચી ગયા હતા.

 

પૅરિસમાં પ્રીમિયર કૅન્સલ

 

હત્યાકાંડને કારણે ફિલ્મ ‘ધ ડાર્ક નાઇટ રાઇઝિસ’નું પૅરિસમાં યોજાનારું પ્રીમિયર કૅન્સલ કરવામાં આવ્યું છે. ફિલ્મના નર્મિાતાએ શૂટ-આઉટની ઘટનાને પગલે આઘાતની લાગણી વ્યક્ત કરી છે. આ ઘટનાને પગલે અમેરિકાનાં અન્ય શહેરોનાં થિયેટરોમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

 

એફબીઆઇ = ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન