અમેરિકાની ચૂંટણીની રસપ્રદ ફૅક્ટ ફાઇલ

06 November, 2012 05:51 AM IST  | 

અમેરિકાની ચૂંટણીની રસપ્રદ ફૅક્ટ ફાઇલ



માત્ર મંગળવારે જ થાય છે મતદાન

૧૮૪૫ના વર્ષમાં અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી નવેમ્બર મહિનાના પહેલા મંગળવારે યોજાઈ હતી, બસ ત્યારથી જ આ પ્રથા ચાલતી આવી છે. ૧૯મી સદીમાં અમેરિકા ખેતીપ્રધાન હતું ત્યારે મોટા ભાગના ખેડૂત એવા મતદાતાઓ શનિવાર સુધી કામ કરતા હોય છે તેથી તેઓ રવિવાર કે સોમવારે વોટ આપવા દૂર સુધી જવું તેમને માટે મુશ્કેલ હતું તેથી મંગળવારનો દિવસ નક્કી થયો હતો. અગાઉ વીક-એન્ડના દિવસે મતદાન રાખવાના પ્રયાસોને સફળતા મળી ન હતી તેથી બાદમાં મંગળવારને જ કાયમ માટે ફાઇનલ કરી દેવામાં આવ્યો.

નેવાડામાં કોઈને પણ વોટ નહીં આપવાની આઝાદી

અમેરિકી રાજ્ય નેવાડામાં મતદાતાઓને બૅલેટ પેપર પર અપાયેલાં નામોમાંથી કોઈને પણ વોટ આપવો ન હોય તો તેઓ ‘નન ઑફ ધ કૅન્ડિડેટ્સ’ એટલે કે ‘કોઈ પણ ઉમેદવારને નહીં’ એવો વિકલ્પ પસંદ કરી શકે છે. ૧૯૭૬થી આ નિયમ લાગુ કરાયેલો છે.

ચર્ચામાં રહ્યો ઓબામાનો અંગૂઠો

અમેરિકામાં પ્રમુખપદની આ ચૂંટણીમાં બરાક ઓબામાનો અંગૂઠો ઘણો ચર્ચામાં રહ્યો છે. હરીફ ઉમેદવાર રોમ્ની સાથેની ડિબેટ કે પછી જાહેર સભાઓમાં ઓબામા વારંવાર થમ્સ-અપની સાઇન દર્શાવીને પોતાનો અંગૂઠો દર્શાવતા હતા. સાંકેતિક હાવભાવના એક્સપર્ટ પૅટી વૂડનું કહેવું છે કે શક્ય છે કે ઓબામાને આ શીખવવામાં આવ્યું હોય. થમ્સ-અપની સાઇન એક સાંકેતિક હથિયાર છે જેની સામેની વ્યક્તિઓ પર હકારાત્મક અસર પડતી હોય છે.

હારેલો પણ જીતી જાય છે રેસ

અમેરિકમાં એક-બે નહીં પણ ચાર વખત એવું બન્યું છે કે ઓછા વોટ મેળવીને લગભગ હારેલો ઉમેદવાર પણ જીતી ગયો હોય છે. તેનું કારણ એ છે કે અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં ઉમેદવારો ઇલેક્ટ્રૉલ વોટ્સમાં બહુમત મેળવવાનો હોય છે. દરેક રાજ્યોના તેની વસ્તીને આધારે ઇલેક્ટ્રૉલ વોટ નક્કી થાય છે. ઉમેદવારે જે રાજ્યમાં વધારે વોટ મેળવ્યા હોય એ રાજ્યના તમામ વોટ તેને મળી જાય છે. એટલે કે રાજ્યના કુલ વોટ ભલે મળી ગયા હોય પણ એવું બની શકે છે કે જ્યારે ઇલેક્ટ્રૉલ વોટ્સની ગણતરી થાય ત્યારે હરીફ ઉમેદવાર કરતાં તે ઓછા હોઈ શકે છે. ૨૦૦૦ની ચૂંટણીમાં અલ ગોરે જ્યૉર્જ બુશ કરતાં પાંચ લાખ વોટ વધારે મેળવ્યા હતા, પણ ઇલેક્ટ્રૉલ વોટની ગણતરીમાં તેઓ પાછળ રહી ગયા હતા. કેટલાકનું કહેવુ છે કે આ ચૂંટણીમાં પણ એવું બની શકે છે.

ટાઇ પડશે તો રોમ્નીને ફાયદો

એવું પણ શક્ય છે કે આ ચૂંટણીમાં ઓબામા અને રોમ્નીને સરખા ઇલેક્ટ્રૉલ વોટ્સ મળે. જો આ રીતે ટાઇ પડશે તો પછી પ્રમુખની ચૂંટણી અમેરિકાની પ્રતિનિધિસભા કરશે. આ સભા પર રિપબ્લિકન પાર્ટીનું વર્ચસ્વ છે. આ સ્થિતિમાં રોમ્ની મેદાન મારી જાય એવું બની શકે છે. ટાઇની સ્થિતિમાં ઉપરાષ્ટ્રપતિનો નિર્ણય અમેરિકી સેનેટ કરશે અને આ ગૃહ પર ડેમોક્રેટિક પાર્ટીનો કબજો છે તેથી રોમ્ની પ્રમુખ તો બની જશે પણ તેમને ઉપરાષ્ટ્રપતિ તરીકે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જૉસેફ બીડેનને સહન કરવા પડશે.

નૉર્થ ડેકોટામાં રજિસ્ટ્રેશન પણ થઈ શકશે વોટિંગ


અમેરિકામાં નૉર્થ ડેકોટા એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં મતદાતાઓએ રજિસ્ટ્રેશન કરાવવું પડતું નથી. આ રાજ્યમાં ૧૯૫૧થી રજિસ્ટ્રેશનની ઝંઝટ દૂર કરી દેવામાં આવી છે. આ રાજ્યમાં ૧૮ વર્ષથી વધુ વયની તથા ઓછામાં ઓછા ૩૦ દિવસથી રહેતી કોઈ પણ વ્યક્તિ વોટ આપી શકે છે.

આ સ્ટેટ નક્કી કરશે પ્રમુખ


અમેરિકાનાં ૧૩ રાજ્યોમાં ઓબામા અને રોમ્ની એકબીજા પર પાતળી સરસાઈ ધરાવે છે. આ એવાં રાજ્યો છે, જેના પરિણામ પર દરેકની નજર રહેશે. આ રાજ્યોની સ્થિતિ પર એક નજર. બાજુમાં જે-તે રાજ્યની વસ્તીને આધારે નક્કી થયેલા ઇલેક્ટ્રૉલ વોટની સંખ્યા છે.

કોલોરાડો ૯ વોટ, ફ્લોરિડા ૨૯ વોટ, આયોવા ૬ વોટ, મિશિગન ૧૬ વોટ, મિનેસોટા ૧૦ વોટ, નેવાડા ૬ વોટ, ન્યુ હેમ્પશૉયર ૪ વોટ, નૉર્થ કેરોલિના ૧૫ વોટ, ઓહાયો ૧૮ વોટ, પેન્સિલવેનિયા ૨૦ વોટ, વર્જિનિયા ૧૩ વોટ, વિસ્કૉન્સિન ૧૦ વોટ અને કોલોરાડો ૯ વોટ.