ટ્રમ્પના દીકરાએ કાશ્મીરને પાકિસ્તાનમાં દર્શાવતો નક્શો શૅર કર્યો

04 November, 2020 11:25 AM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

ટ્રમ્પના દીકરાએ કાશ્મીરને પાકિસ્તાનમાં દર્શાવતો નક્શો શૅર કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયર (ફાઈલ તસવીર)

અમેરિકાની રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીમાં મતદાન પૂરું થઈ ગયું છે. આ દરમિયાન રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના દીકરા ડોનાલ્ડ જૂનિયર (Donald Trump Junior)એ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક વિવાદાસ્પદ પોસ્ટ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે દુનિયાના નક્શામાં જો બાઇડન (Jo Biden) અને પોતાના પિતા ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક દેશોને લાલ અને વાદળી રંગમાં વહેંચી દીધા છે. નક્શામાં ભારતને પોતાના પિતના વિરોધી ઉમેદવાર જો બાઇડનનો સમર્થક દેશ ગણાવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ નક્શામાં કાશ્મીર (Kashmir)ને પડોશી દેશ પાકિસ્તાન (Pakistan)નો હિસ્સો દર્શાવવામાં આવ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીના મતદાન દરમિયાન આ નક્શાને ટ્વીટ કર્યો છે. તેમાં ટ્રમ્પને સમર્થન આપનારા દેશોને લાલ અને બાઇડનના સમર્થક દેશોને વાદળી રંગથી દર્શાવ્યા છે. નક્શામાં પાકિસ્તાન અને રશિયાને ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક દેશ ગણાવ્યા છે, જ્યારે ભારતને જો બાઇડનનો સમર્થક દેશ ગણાવ્યો છે. નક્શામાં ભારત ઉપરાંત ચીન, મેક્સિકો અને લાઇબેરિયાને પણ જો બાઇડનના સમર્થક દેશ દર્શાવવામાં આવ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયર પહેલા ટ્રમ્પ પોતે પણ ભારતની વિરુદ્ધ નિવેદન આપી ચૂક્યા છે. ટ્રમ્પે જો બાઇડન સાથેની પ્રેસિડેન્શિયલ ડિબેટમાં પર્યાવરણના મામલાને લઈ ભારત પર નિશાન સાધ્યું હતું. ડિબેટ દરમિયાન ટ્રમ્પે ક્લાઇમેટ ચેન્જમાં ખરાબ હવાની ગુણવત્તાને લઈ ચીન અને રશિયા ઉપરાંત ભારતને જવાબદાર ઠેરવ્યું હતું. હવે તાજા ઘટનાક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે એક એવો નક્શો શૅર કર્યો છે જેમાં કાશ્મીર ઘાટીને પાકિસ્તાનનો હિસ્સો ગણવામાં આવ્યો છે.

નક્શો શૅર કરતાં જ ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરની દુનિયાભરમાં ટીકા થઈ રહી છે. અનેક જાણીતી હસ્તીઓ સહિત સામાન્ય સોશ્યલ મીડિયા યૂઝર્સ પણ ટ્રમ્પના દીકરા પર નિશાન સાધી રહ્યાં છે.

international news united states of america washington donald trump