પ્રલયથી બચવા અમેરિકામાં ૨૫ લાખ રૂપિયાના બૉમ્બ-પ્રૂફ બન્કરની જબ્બર ડિમાન્ડ

19 December, 2012 03:23 AM IST  | 

પ્રલયથી બચવા અમેરિકામાં ૨૫ લાખ રૂપિયાના બૉમ્બ-પ્રૂફ બન્કરની જબ્બર ડિમાન્ડ


દુનિયાભરના વિજ્ઞાનીઓએ ખાતરી આપી છે કે ૨૧ ડિસેમ્બરે માત્ર મય સભ્યતાના કૅલેન્ડરનો જ અંત આવવાનો છે, પૃથ્વીનો નહીં તો પણ આ દિવસે પ્રલય થશે એવું માનતા લાખો લોકો પોતાનો જીવ બચાવવા માટે ચિત્ર-વિચિત્ર તૈયારીઓ કરી રહ્યા છે. અમેરિકામાં ૨૧ ડિસેમ્બરે કોઈ પણ હોનારત સામે રક્ષણ આપે એવા બૉમ્બ અને શૉક-પ્રૂફ અન્ડરગ્રાઉન્ડ બન્કર્સની ડિમાન્ડમાં જોરદાર વધારો થયો છે. આ બન્કર્સ બનાવતી વ્યક્તિના જણાવ્યા પ્રમાણે અગાઉ એક મહિનામાં માંડ એક બન્કરનો ઑર્ડર મળતો હતો, જ્યારે હવે દરરોજ ઓછામાં ઓછા એક બન્કરનો ઑર્ડર બને છે. કૅલિફૉર્નિયા સ્ટેટના મોન્તેબેલો નામના ટાઉનમાં રહેતા રૉન હબર્ડ નામનો અમેરિકન આ બન્કર બનાવે છે. ગમે એવા ઝટકા સામે પણ અસરકારક રીતે ટકી શકે એવા આ બન્કર પ્લાસમા ટીવી, સોફા તથા લાકડાનું ફ્લોરિંગ છે. દક્ષિણ અમેરિકામાં પાંગરેલી મય સંસ્કૃતિનું ૫૧૨૫ વર્ષ લાંબું કૅલેન્ડર આવતા શુક્રવારે એટલે કે ૨૧ ડિસેમ્બરે પૂરું થઈ રહ્યું છે અને કોઈકે એવી અફવા ફેલાવી હતી કે આ કૅલેન્ડરના અંત સાથે જ પૃથ્વી પર પ્રલય આવશે.

હબર્ડે બનાવેલા બન્કર માત્ર શૉક-પ્રૂફ જ નથી, પણ એ ન્યુક્લિયર અને કેમિકલ બૉમ્બ વિસ્ફોટ સામે પણ રક્ષણ આપી શકે છે એવો તેમનો દાવો છે. અત્યારે તેઓ ૪૬,૦૦૦ ડૉલર (આશરે ૨૫ લાખ રૂપિયા)માં એક બન્કર વેચી રહ્યા છે. સિલિન્ડરની સાઇઝના આ બન્કર ૫૦૦ ચોરસ ફૂટ સાઇઝના છે, એનો ડાયામીટર ૧૦ ફૂટનો અને લંબાઈ ૫૦ ફૂટની છે. હબર્ડે પોતાના માટે પણ આવું એક બન્કર તૈયાર રાખ્યું છે અને તેમનું કહેવું છે કે શુક્રવારે હું પણ ફૅમિલી સાથે મારા બન્કરમાં જતો રહેવાનો છું.

ઑલ ઇઝ વેલની વિજ્ઞાનીઓની ખાતરી

૨૧ ડિસેમ્બરે માત્ર લેટિન અમેરિકામાં થઈ ગયેલી મય સંસ્કૃતિના કૅલેન્ડરનો જ અંત થવાનો છે પૃથ્વીનો નહીં એવી વિજ્ઞાનીઓએ કાલે ફરી એક વાર ખાતરી આપી હતી. અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન (નાસા-ફ્ખ્લ્ખ્) સાથે કામ કરી ચૂકેલા વિજ્ઞાની અને કલકત્તામાં બિરલા પ્લૅનેટેરિયમના ડિરેક્ટર ડૉ. ડી. પી. દુરાઈની ગણના ટોચના ખગોળશાસ્ત્રીઓમાં થાય છે. ગઈ કાલે તેમણે કહ્યું હતું કે આગામી શુક્રવાર અન્ય દિવસો જેવો જ સામાન્ય દિવસ હશે. આ દિવસની ખાસિયત માત્ર એટલી જ છે કે એ વર્ષનો સૌથી ટૂંકો દિવસ હશે. નાસા તથા યુરોપિયન સ્પેસ એજન્સીઓના વિજ્ઞાનીઓએ પણ શુક્રવારે કશું નહીં થાય એવી ખાતરી આપી હતી.