ઉરુગ્વે દેશના પ્રમુખ ફકીર જેવું જીવન જીવે છે

19 November, 2012 04:07 AM IST  | 

ઉરુગ્વે દેશના પ્રમુખ ફકીર જેવું જીવન જીવે છે




લેટિન અમેરિકન દેશ ઉરુગ્વેની ગણના પ્રમાણમાં સમૃદ્ધ દેશ તરીકે થાય છે. આ દેશના લોકોની સરેરાશ માથાદીઠ આવક ૧૫ હજાર ડૉલર (આશરે ૮.૨૫ લાખ રૂપિયા) છે. જોકે આ દેશના પ્રમુખને વિશ્વમાં સૌથી ગરીબ રાષ્ટ્રનેતા માનવામાં આવે છે. જૉસ મુજિકા ઉરુગ્વેના પ્રમુખ છે, પણ તેમની રહેણીકરણી જોઈને કોઈ ભાગ્યે જ આ વાત માની શકે છે. મુજિકા ઉરુગ્વેની રાજધાની મોન્ટેવિડિયોથી નજીક આવેલા ખેતરમાં સાવ સામાન્ય ઘરમાં રહે છે. તેઓ એક ગરીબ ખેડૂત જેવું જીવન જીવે છે. આ ઘરમાં આજે પણ કૂવામાંથી પાણી ભરવામાં આવે છે અને ઘરની બહાર જ કપડાં ધોવામાં આવે છે. તેઓ આ ઘરમાં પત્ની એક પાળેલા ડૉગી સાથે રહે છે અને ફૂલોની ખેતી કરે છે.

દેશના પ્રમુખ તરીકે મુજિકાને આલીશાન મહેલ જેવું સરકારી મકાન મળે છે પણ તેમણે સત્તાવાર મકાનનો સ્વીકાર નથી કર્યો. ફકીર જેવું જીવન જીવતા આ રાષ્ટ્રપ્રમુખનું કહેવું છે કે અનેક લોકો મને પાગલ માને છે પણ એ તેમના પોતાના વિચાર છે. મુજિકાને પ્રમુખ તરીકે ૧૨ હજાર ડૉલર (આશકે ૬.૬૧ લાખ રૂપિયા) વેતન મળે છે, પણ તેઓ વેતનની ૯૦ ટકા રકમ દાનમાં આપી દે છે. મુજિકાનું કહેવું છે કે ‘મને સૌથી ગરીબ પ્રમુખ માનવામાં આવે છે પણ હું ગરીબ નથી. ગરીબ તો એ લોકો છે, જે ખર્ચાળ જીવનશૈલી માટે આખું જીવન વૈતરું કર્યા કરે છે.’

જૉસ મુજિકા ૬૦ના દસકામાં થયેલી ક્યુબાની ક્રાન્તિમાંથી બહાર આવેલા નેતા છે. ૧૯૬૦ અને ૧૯૭૦ના સમયગાળા દરમ્યાન તેમણે ઉરુગ્વેની તત્કાલીન આપખુદ સરકાર સામે ગોરિલા અભિયાન ચલાવ્યું હતું. લડાઈ દરમ્યાન તેમને છાતી પર છ વખત ગોળીઓ વાગી હતી. એટલું જ નહીં, તેઓ ૧૪ વર્ષ જેલમાં રહ્યા હતા. ૧૯૮૫માં ઉરુગ્વેમાં લોકશાહી સ્થપાયા બાદ તેઓ જેલમાંથી મુક્ત થયા હતા.