19 June, 2025 11:36 AM IST | Kyiv | Gujarati Mid-day Correspondent
યુક્રેનિયન સૈનિક ઓલેક્ઝાન્ડરની પહેલાંની અને પછીની તસવીરો
રશિયા દ્વારા ૩ વર્ષ પછી મુક્ત કરવામાં આવેલા યુક્રેનિયન સૈનિક ઓલેક્ઝાન્ડરની પહેલાંની અને પછીની તસવીરો યુક્રેન દ્વારા એના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર શૅર કરવામાં આવી હતી. એકદમ યુવાન દેખાતો ઓલેક્ઝાન્ડર ત્રણ વર્ષ બાદ સાવ ઘરડો દેખાય છે, તેના ચહેરાની ચામડી લટકી પડી છે, જડબાં બેસી ગયાં છે અને તે અશક્ત થઈ ગયો છે.
આ પોસ્ટ સાથે લખવામાં આવ્યું હતું કે ‘બન્ને ફોટોમાં ઓલેક્ઝાન્ડરની બાજુમાં તેની પત્ની ઓલેના છે. ઓલેક્ઝાન્ડરને રશિયામાં કેદ રાખવામાં આવ્યો ત્યારે તેને ત્રાસ આપવામાં આવ્યો હતો, ભૂખ્યો રાખવામાં આવ્યો હતો અને તેના મૂળભૂત અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા. આ કિંમત યુક્રેનિયનો આક્રમણ સામે ઊભા રહેવા માટે ચૂકવે છે.’
રશિયાના સંપૂર્ણ આક્રમણના શરૂઆતના દિવસોમાં પોતાના ઘરનું રક્ષણ કરવા માટે ઓલેક્ઝાન્ડર મારિયુપોલના પ્રાદેશિક સંરક્ષણમાં જોડાયો હતો. આ માટે તેને રશિયાએ પકડ્યો હતો. હજી પણ ઓલેક્ઝાન્ડર જેવા ઘણા રશિયાની કેદમાં છે.