યુક્રેનના પ્રેસિડન્ટનું ફેમસ જૅકેટ ૮૫.૪૬ લાખ રૂપિયામાં વેચાયું

09 May, 2022 09:04 AM IST  |  Kyiv | Gujarati Mid-day Correspondent

લંડનમાં યુક્રેનની એમ્બેસી દ્વારા શુક્રવારે આયોજિત ભંડોળ એકત્ર કરવા માટેના કાર્યક્રમ દરમ્યાન આ જૅકેટ મસમોટી કિંમતે વેચાયું હતું

ફેમસ જૅકેટમાં યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદિમીર ઝેલેન્સ્કી

યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદિમીર ઝેલેન્સ્કીનું ફેમસ જૅકેટ લંડનમાં યોજાયેલી હરા​જીમાં ૯૦,૦૦૦ પાઉન્ડ (૮૫.૪૬ લાખ રૂપિયા)માં વેચાયું હતું. અહીં ઑક્શન દરમ્યાન ઝેલેન્સ્કીએ રશિયા વિરુદ્ધના યુદ્ધમાં સતત સપોર્ટ આપવા બદલ યુકેનો આભાર માન્યો હતો.

લંડનમાં યુક્રેનની એમ્બેસી દ્વારા શુક્રવારે આયોજિત ભંડોળ એકત્ર કરવા માટેના કાર્યક્રમ દરમ્યાન આ જૅકેટ મસમોટી કિંમતે વેચાયું હતું.

ઑક્શન પહેલાં વિડિયો લિન્ક દ્વારા સ્પીચમાં ઝેલેન્સ્કીએ બ્રિટન અને એના બહાદુર વડા પ્રધાન બૉરિસ જૉન્સનની પ્રશંસા કરી હતી.

બ્રિટિશ વડા પ્રધાને કહ્યું હતું કે ઝેલેન્સ્કી યુક્રેનમાં યુદ્ધનું સુકાન સંભાળી રહ્યા છે એ રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન માટે ડિઝૅસ્ટર પુરવાર થશે. 

યુક્રેનના લુહાંસ્કમાં સ્કૂલ પર બૉમ્બમારો, ૬૦ જણનાં મૃત્યુ

યુક્રેનના લુહાંસ્ક પ્રદેશમાં રશિયાએ એક સ્કૂલ પર બૉમ્બ ફેંક્યો હતો, જેમાં ઓછામાં ઓછા ૬૦ જણનાં મૃત્યુની આશંકા વ્યક્ત કરાઈ છે. ગવર્નર સેરહિય ગૈદઈએ કહ્યું હતું કે રશિયન દળોએ શનિવારે બપોરે બિલોહોરિવકામાં એક સ્કૂલ પર બૉમ્બ ફેંક્યો હતો. આ સ્કૂલમાં એ સમયે લગભગ ૯૦ લોકોએ આશરો લીધો હતો. 

international news ukraine