જપાને જવાબી હુમલાની વાત કરતાં ચીન અવાક્

14 June, 2022 08:42 AM IST  |  Singapore | Gujarati Mid-day Correspondent

સિંગાપોરમાં ચાલી રહેલા શાંગ્રી-લા ડાયલૉગમાં અત્યાર સુધી શાંતિની વાત કરનાર દેશે પાંચ વર્ષમાં સૈનિક ક્ષમતાને મજબૂત કરવાની કરી રજૂઆત

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

અમેરિકા અને ચીનમાં તાઇવાનને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે જપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદાએ સિંગાપોરમાં આયોજિત શાંગ્રી-લા ડાયલૉગમાં બહુ મોટી વાત કરી છે. તેમણે કહ્યું હતું કે જપાન આગામી પાંચ વર્ષમાં પોતાની સૈન્ય ક્ષમતાને મજબૂત કરશે, જેમાં જવાબી હુમલો પણ સામેલ છે. એશિયા-પૅસિફિક ક્ષેત્રમાં ચીનના વધતા જતા ભય વચ્ચે જપાને જવાબી હુમલાનો આકરો સંદેશ પાઠવ્યો છે. સાથે જ જપાનના ડિફેન્સ મિનિસ્ટર નુબુઓ કિશી પણ જપાનના પરમાણુ શસ્ત્રો ધરાવતા પાડોશીઓ પર ભડક્યા છે, કારણ કે આ દેશો હજી પણ પરમાણુ શસ્ત્રો માટેના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે.

જપાન તરફથી આ પ્રકારના નિવેદન આપવા પાછળનું કારણ ૨૪ મેએ પૂર્વમાં ચીન સાગરમાં રશિયા અને ચીનના સંયુક્ત સૈન્ય અભ્યાસથી ઊભો થયેલો ખતરો પણ છે, જેમાં પરમાણુ બૉમ્બરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વળી આ મિલિટરી એક્સરસાઇઝ એ જ દિવસે કરવામાં આવી હતી જ્યારે રાજધાની ટોક્યોમાં ક્વોડ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ શાંગરિલા ડાયલૉગમાં વિશ્વભરના દેશના નેતાઓ પહોંચ્યા છે. ઇન્ડો-પૅસિફિક ક્ષેત્રમાં વધતી જતી ચીનની દાદાગીરી આ બેઠકનો ઉદ્દેશ રહ્યો છે. ઑસ્ટિન અને ફેગની સાથે જ ઑસ્ટ્રેલિયાના ​ડિફેન્સ મિનિસ્ટર રિચર્ડ માર્લસ સાથે પણ બેઠક થઈ છે. 

international news japan china