બ્રિટનના સ્વાસ્થ્યપ્રધાન નદિન ડૉરિસ કોરોના વાઇરસની ચપેટમાં

12 March, 2020 10:51 AM IST  |  London

બ્રિટનના સ્વાસ્થ્યપ્રધાન નદિન ડૉરિસ કોરોના વાઇરસની ચપેટમાં

પ્રતીકાત્મક તસવીર

ચીન બાદ વિશ્વના અનેક દેશોમાં કોરોના વાઇરસે દેખા દીધી છે ત્યારે બ્રિટનના સાંસદ અને સ્વાસ્થ્યપ્રધાન નદિન ડૉરિસનો પણ કોરોના વાઇરસનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. તેમણે મંગળવારે આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે મારો કોરોના વાઇરસનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે અને હું મારા પરિવારથી અલગ રહું છું. પ્રધાન નદિન કઈ રીતે અને ક્યાં વાઇરસના સંપર્કમાં આવી તે બાબતની તપાસ ચાલી રહી છે.

કોરોના વાઇરસ સામે લડવા કાનૂની નિયમો તૈયાર કરવામાં મદદ કરનાર ડૉરિસ બ્રિટનના પહેલા રાજનેતા છે જે કોરોના વાઇરસથી સંક્રમિત છે. તપાસ થઈ રહી છે કે તેમણે જેની સાથે મુલાકાત કરી તે લોકો પણ આ વાઇરસથી સંક્રમિત થયા તો નથી. એક રિપોર્ટ અનુસાર છેલ્લા કેટલાક દિવસોમાં તે ઘણા લોકોના સંપર્કમાં આવ્યાં છે. જેમાં બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સનનો પણ સમાવેશ થાય છે.

ઇટલીમાં એક જ દિવસમાં ૧૬૮નાં મોતઃ કુલ મૃત્યુઆંક ૬૩૧

ચીન બાદ કોરોના વાઇરસનો સૌથી વધારે પ્રભાવિત દેશ ઈટલી છે. અહીં મંગળવારે ૧૬૮ લોકોનાં મોત થયાં છે. આ એક દિવસમાં આ મૃતકોમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. સરકારે આખા દેશને લોકડાઉન કર્યો છે. દેશના લગભગ ૬ કરોડ લોકોને અલગ અલગ રાખવામાં આવ્યા છે. અહીં અત્યાર સુધી ૬૩૧ લોકોનાં મોત થયાં છે, જ્યારે ૧૦ હજારથી વધારે લોકો સંક્રમિત છે.

કોરોના વાઇરસથી એક પણ અમેરિકી કેદીનું મોત થયું તો ઇરાન જવાબદાર રહેશે

કોરોના વાઇરસને વધુ ફેલાવતા અટકાવવા માટે ઇરાને જેલમાં રહેલા કેદીઓને શરતી જામીન પર છોડ્યા હતા. જેને લઈને અમેરિકાના વિદેશપ્રધાન માઇક પોમ્પિયોએ ખોટી રીતે ધરપકડ કરાયેલા કેદીઓને છોડવા માટે કહ્યું છે. અમેરિકાએ ઇરાનને ચેતવણી પણ આપી છે કે જો કોરોના વાઇરસથી કોઈ પણ અમેરિકન કેદીનું મોત નીપજ્યું તો ઈરાન તેના માટે જવાબદાર હશે. પોમ્પિયોએ વધુમાં જણાવ્યું કે આ બાબતે અમે કાનૂની કાર્યવાહી જ કરીશું. કોરોના વાઇરસ ઈરાનની જેલમાં ફેલાઈ ગયો છે જે ખૂબ દુઃખદ વાત છે. એવામાં જેલમાંથી બધા જ અમેરિકાના કેદીઓને પૂર્ણરૂપે અને તાત્કાલિક ધોરણે છુટ્ટા કરવામાં આવે.

coronavirus united kingdom world news