વિચિત્ર બીમારીને કારણે દુનિયાથી ડરતા છોકરાની ડૉગીએ બદલી લાઇફ

25 October, 2012 05:22 AM IST  | 

વિચિત્ર બીમારીને કારણે દુનિયાથી ડરતા છોકરાની ડૉગીએ બદલી લાઇફ



ભાગ્યે જ જોવા મળે એવી આનુવંશિક (જેનેટિક) ખામીને કારણે સતત પોતાના પગ પર ચાલી ન શકતા અને ઘરની બહારની દુનિયાથી સતત ડરતા રહેતા સાત વર્ષના છોકરાને મેડિકલ સાયન્સ નહીં પણ ત્રણ પગ ધરાવતા ડૉગીએ મદદ કરી હોવાનો હૃદયસ્પર્શી કિસ્સો બ્રિટનમાં નોંધાયો છે. બ્રિટનની હૅમ્પશૉ કાઉન્ટીના બેસિંગસ્ટૉક નામના ટાઉનમાં રહેતો સાત વર્ષનો ઓવીન હોકિન્સ નામનો આ છોકરો સ્વોત્ર્ઝ-જેમ્પેલ સિન્ડ્રૉમ નામની જેનેટિક ખામી ધરાવે છે. આ ખામીને કારણે તેના સ્નાયુઓ સતત ટેન્સ રહે છે અને તે બહાર નીકળતાં સતત ડરતો રહે છે એટલું જ નહીં, કોઈની સાથે વાત પણ કરી શકતો નથી. આ સ્થિતિને કારણે ઓવીન સ્કૂલ પણ જઈ શકતો નહોતો.

ભારે વિચિત્ર એવી આ બીમારીમાંથી દીકરાને બહાર કાઢવા માટે તેના પિતા વિલ હોકિન્સે રેલવે ટ્રૅક ક્રૉસ કરતા થયેલા ઍક્સિડન્ટને કારણે એક પગ ગુમાવનાર હેટચી નામના ડૉગીને ઘરમાં લાવ્યા હતા. અન્ય નૉર્મલ છોકરા-છોકરીઓ ઓવીનના દોસ્ત બની શક્યા નહીં, પણ ત્રણ પગ ધરાવતા આ ડૉગી સાથે તેને પાક્કી દોસ્તી થઈ ગઈ હતી. આ દોસ્તીનો સૌથી મોટો ફાયદો એ થયો કે ધીમે-ધીમે ઓવીનનો ડર દૂર થતો ગયો અને હવે તે નૉર્મલ છોકરાઓની જેમ ઘરની બહાર નીકળતો થયો એટલું જ નહીં, તેના આત્મવિશ્વાસમાં પણ વધારો થયો.

ઓવીનના પિતા વિલ અને તેની ફિયાન્સે કોલીને ફેસબુક પર ઍક્સિડન્ટને કારણે પગ ગુમાવનાર ડૉગી વિશે જાણ થઈ હતી એ પછી તેમણે આ કમનસીબ કૂતરાને અડૉપ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો.