ગર્ભનિરોધક ગોળી લીધાના એક મહિનામાં બ્રિટિશ કિશોરીને સાત હાર્ટઅટૅક આવ્યા

29 November, 2012 03:44 AM IST  | 

ગર્ભનિરોધક ગોળી લીધાના એક મહિનામાં બ્રિટિશ કિશોરીને સાત હાર્ટઅટૅક આવ્યા



બ્રિટનની એક ૧૯ વર્ષની છોકરીને ગર્ભનિરોધક ગોળી લીધાના એક મહિનામાં સાત જેટલા હાર્ટઅટૅક આવ્યા હતા. બાદમાં લંડનની હૉસ્પિટલમાં થયેલા તેના સી.ટી. સ્કૅનમાં એવું બહાર આવ્યું હતું કે માઇક્રોજિનોમ નામની કૉન્ટ્રાસેપ્ટિવ પિલની આડઅસરને કારણે તેના શરીરમાં સેંકડો બ્લડ ક્લૉટ સર્જાયા હતા. જોકે ડૉક્ટરો તેનો જીવ બચાવવામાં સફળ થયા હતા. એલિસ ક્લાર્ક નામની આ કિશોરીએ બ્રિટનની એક ટીવી ચૅનલને આપેલી મુલાકાતમાં આ વાત કહી હતી. આ ઘટના આમ તો ત્રણ વર્ષ પહેલાંની છે, પણ ડૉક્ટરોએ આટલ સમય સુધી અભ્યાસ બાદ એ કન્ફર્મ કર્યું હતું કે એલિસને આવેલા ઉપરાછાપરી સાત હાર્ટઅટૅકનું કારણ કૉન્ટ્રાસેપ્ટિવ પિલ હતી.

એક તબક્કે તેની હાલત એટલી સિરિયસ હતી કે ડૉક્ટરોએ તેના પેરન્ટ્સને છેલ્લી વખત મળી લેવા પણ કહ્યું હતું. બ્રિટનની કેન્ટ કાઉન્ટીના ક્લિફ નામના ટાઉનમાં રહેતી એલિસના સી.ટી. સ્કૅનમાં એવી જાણ થઈ હતી કે તેના સેંકડો બ્લડ ક્લૉટ તેના પગથી હાર્ટ અને ફેફસાં તરફ આગળ વધી રહ્યા છે. જોકે ઍન્ટિ-બ્લડ ક્લૉટના ઇમરજન્સી ઇન્જેક્શન અને બે દિવસ ઇન્ટેન્સિવ કૅરમાં ગાળ્યાં બાદ તેનો જીવ બચ્યો હતો.

ડૉક્ટરોનું કહેવું હતું કે જો એલિસની ઉંમર ૨૫ વર્ષ કે તેથી વધારે હોત તો તેના મગજને ગંભીર નુકસાન થયું હોત પણ તેની ઉંમર ઓછી હોવાથી રિકવરી જલદી આવી હતી. લેટેસ્ટ સ્ટડીઝ મુજબ કૉન્ટ્રાસેપ્ટિવ પિલ લેતી એક લાખ મહિલાઓમાંથી ૧૫થી ૩૦ જેટલી મહિલાઓના શરીરમાં બ્લડ ક્લૉટ સર્જાય છે. હજી ગત સપ્તાહે જ બ્રિટનમાં શેનોન ડાઇકિન નામની ૧૬ વર્ષની કિશોરીનું ગર્ભનિરોધક ગોળી લીધા બાદ થયેલા બ્લડ ક્લૉટને કારણે મૃત્યુ થયું હતું.

સી.ટી. = કમ્પ્યુટેડ ટોમોગ્રાફી