બે વર્ષની બાળકી બની નેપાલની નવી કુમારી દેવી

02 October, 2025 08:22 AM IST  |  Nepal | Gujarati Mid-day Correspondent

નેપાલની નવી જીવંત દેવીના સ્વરૂપમાં બે વર્ષની બાળકીની પસંદગી થઈ છે.

નેપાલનાં નવાં જીવંત દેવી ‘કુમારી દેવી’ તરીકે પસંદગી પામેલી બે વર્ષની આર્યતારાને ભક્તો કાઠમાંડુના તાલેજુ ભવાની મંદિરમાં લઈ ગયા હતા.

નેપાલની નવી જીવંત દેવીના સ્વરૂપમાં બે વર્ષની બાળકીની પસંદગી થઈ છે. નેપાલના સૌથી લાંબા અને સૌથી મહત્ત્વના હિન્દુ તહેવાર નવરાત્રિ દરમિયાન મંગળવારે આ બાળકીને કાઠમાંડુના તેના ઘરેથી પરિવારજનો મંદિરમાં લઈ ગયા હતા. બે વર્ષ અને આઠ મહિનાની આર્યતારા શાક્ય નામની બાળકીને નેપાલની ‘કુમારી દેવી’ના રૂપમાં પસંદ કરવામાં આવી છે. આર્યતારા હવે નેપાલની વર્તમાન કુમારીનું સ્થાન લેશે. પરંપરા પ્રમાણે હવે તેની દેવી તરીકે લોકો પૂજાઅર્ચના કરશે અને જ્યારે તે યૌવન પ્રાપ્ત કરશે ત્યારે ફરી તેને સામાન્ય માણસ માનવામાં આવશે. હિન્દુઓ અને બૌદ્ધો બન્ને દ્વારા નેપાલમાં કુમારી દેવીની પૂજા કરવામાં આવે છે.

શું છે કુમારી દેવીની પરંપરા?
નેપાલમાં બેથી ચાર વર્ષની બાળકીને પસંદ કરીને તેમની કુમારી દેવી તરીકે પૂજવાની પરંપરા છે. હિન્દુ અને બૌદ્ધ બન્ને જીવંત દેવીને પૂજે છે. આ બાળકીઓની પસંદગી કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે જેમ કે આ બાળકીઓની ત્વચા, આંખ, વાળ, દાંત બધું દાગ વગરનું હોવું જોઈએ અને તેમને અંધારાથી ડર ન લાગવો જોઈએ. ધાર્મિક ઉત્સવોમાં જીવંત દેવીને ભક્તો દ્વારા ખેંચવામાં આવતા રથમાં બેસાડીને ફરાવવામાં આવે છે. આ બાળકીઓ હંમેશાં લાલ રંગનાં વસ્ત્રો પહેરે છે, માથે ચોટલી બાંધે છે અને તેમના કપાળ પર ત્રીજી આંખ અંકિત કરેલી હોય છે.

યોગી આદિત્યનાથે મહાનવમીએ કન્યાપૂજન કર્યું

ઉત્તર પ્રદેશના ગોરખનાથ મંદિરમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કન્યાપૂજનની વિધિ કરી હતી. નવરાત્રિની મહાનવમીના પવિત્ર પર્વે તેમણે પરંપરા પ્રમાણે બાળકીઓના પગ ધોઈને ચરણપૂજન કર્યું હતું.

international news nepal culture news world news yogi adityanath