મેક્સિકોના રિસૉર્ટ પર શૂ​ટઆઉટમાં ભારતીય મહિલા સહિત બેનાં મોત

23 October, 2021 11:48 AM IST  |  Mexico | Agency

બુધવારની રાત્રે તુલમના મુખ્ય રોડની સામે આવેલા એક રેસ્ટોરાંમાં ગોળીબાર થયો હતો. આ રેસ્ટોરાંમાં કેટલાંક ટેબલ્સ બહાર મૂકવામાં આવ્યાં છે. 

પ્રતીકાત્મક તસવીર

મેક્સિકોના તુલુમ શહેરમાં આવેલા મેક્સિકન કૅરિબિયન રિસૉર્ટમાં થયેલા ગોળીબારમાં એક ભારતીય મહિલા સહિત બે વિદેશી મહિલાનું મૃત્યુ થયું હોવાનું ગઈ કાલે જણાવતાં અધિકારીઓએ વધુમાં ઉમેર્યું હતું કે મરનારી અન્ય વિદેશ મહિલા જર્મનીની હતી. આ ઉપરાંત નેધરલૅન્ડ્સની ત્રણ પ્રવાસી મહિલાઓ જખમી થઈ હતી. 
બુધવારની રાત્રે તુલમના મુખ્ય રોડની સામે આવેલા એક રેસ્ટોરાંમાં ગોળીબાર થયો હતો. આ રેસ્ટોરાંમાં કેટલાંક ટેબલ્સ બહાર મૂકવામાં આવ્યાં છે. 
સંબંધિત વિસ્તારમાં ડ્રગ્સના વેચાણ સાથે સંકળાયેલાં બે જૂથ વચ્ચે લડાઈ થઈ હોવાનું ક્વિન્ટાના રૂ સ્ટેટ પ્રોસીક્યુટરની કચેરી દ્વારા જારી કરવામાં આવેલા એક સ્ટેટમેન્ટમાં જણાવાયું હતું. પ્રવાસીઓ રેસ્ટોરાંમાં ભોજન લઈ રહ્યા હતા, જે વેળાએ બે જૂથ દ્વારા કરવામાં આવેલા સામસામા ગોળીબારમાં તેમને ગોળી વાગી હતી. મૃત્યુ પામનારી બે વિદેશી મહિલામાંથી એકનું મૃત્યુ ઘટનાસ્થળ પર જ થયું હતું. જખમી થયેલા એક હુમલાખોરની પછીથી ધરપકડ કરવામાં આવી હતી. જોકે જખમી પ્રવાસીઓની સ્થિતિ વિશે કોઈ જાણકારી મળી નથી. 

international news mexico