૫૮ પ્રવાસીઓ સાથેની ફ્લાઇટ તાઇપેઈમાં તૂટી પડતાં ૨૫ના મોત

04 February, 2015 06:45 AM IST  | 

૫૮ પ્રવાસીઓ સાથેની ફ્લાઇટ તાઇપેઈમાં તૂટી પડતાં ૨૫ના મોત







ટેક-ઑફની બે મિનિટ પછી હવામાં આડી થઈ ગયેલી ફ્લાઇટ ફ્રીવે પર પડી અને પ્લેન ડૂબી ગયું નદીમાં : એક વર્ષમાં બીજી દુર્ઘટના

તાઇવાનમાં ૫૮ પ્રવાસીઓ સાથેની એક ફ્લાઇટ ગઈ કાલે ઉડ્ડયન દરમ્યાન એક સાઇડ થઈને એલિવેટેડ રોડ સાથે ટકરાયા બાદ એક નદીમાં તૂટી પડી હતી. તાઇપેઈ ઍરપોર્ટ પરથી વિમાને ટેક-ઑફ કર્યાની ગણતરીની મિનિટોમાં થયેલા આ અકસ્માતમાં કમસે કમ ૨૫ પ્રવાસીનાં મોત થયાં હતાં.

કીલુંગ નદીમાં ડૂબી ગયેલા વિમાનનો મોટા ભાગનો હિસ્સો બચાવ કાર્યકરોએ બહાર કાઢી લીધો છે. વિમાનના કાટમાળમાંથી ૨૫ ડૅડ-બોડી મળી આવી હતી. પ્લેનના આગળના ભાગમાં ૧૭ પ્રવાસીઓ ફસાયેલા હોવાનું માનવામાં આવે છે. ૧૬ પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યાં છે. મૃત્યુઆંકમાં વધારો થવાની સંભાવના છે.

આ દુર્ઘટના વિશે સ્થાનિક ટેલિવિઝન ચૅનલ પર પ્રસારિત કરવામાં આવેલા સમાચારમાં જણાવ્યા અનુસાર, આ પ્રોપ-જેટ વિમાન નદીમાં પટકાયું તેની કેટલીક સેકન્ડો પહેલાં જ તેની એક પાંખ તાઇવાનના નૅશનલ ફ્રીવે નંબર ૧ પર તૂટી પડી હતી. ફ્રીવે પર જતી એક ટૅક્સી સાથે વિમાનની તૂટેલી પાંખ ટકરાતાં ડ્રાઇવરને ઈજા થઈ હતી.

આ વિમાન તાઇવાનના સંગશાન ઍરપોર્ટ પરથી કિનમેન્સ આઇલૅન્ડ જઈ રહ્યું હતું. સવારે ૧૦.૫૩ વાગ્યે ટેક-ઑફ કર્યાની બે મિનિટ બાદ વિમાને કન્ટ્રોલ ટાવર સાથેનો સંપર્ક ગુમાવી દીધો હોવાનું સિવિલ એવિયેશનના સત્તાવાળાઓએ જણાવ્યું હતું.

કિનમેન્સ આઇલૅન્ડ તાઇપેઈ અને ચીનના ફુજિઆન પ્રાંત વચ્ચેની કોમન લિંક છે અને વિમાનમાં ચીનના ૩૧ પેસેન્જર્સ પ્રવાસ કરી રહ્યા હતા. આ વિમાન કયા કારણસર તૂટી પડ્યું હતું તે જાણવા નથી મળ્યું.

 ઍરલાઇનનું ફ્રેન્ચ-ઇટાલિયન બનાવટનું બીજું વિમાન આ વર્ષે તૂટી પડ્યું છે. પેગું આઈલૅન્ડ પર જતું એક અન્ય વિમાન ગયા વર્ષની ૨૩ જુલાઈએ તૂટી પડતાં ૪૮ લોકોનાં મોત થયાં હતાં. એ દુર્ઘટનાનું કારણ પણ હજી સુધી જાણવા નથી મળ્યું.