ભારત-અમેરિકા ટ્રેડ ડીલનું ભવિષ્ય અધ્ધરતાલ! ટેરિફ મુદ્દો ન ઉકેલાય ત્યાં સુધી ચર્ચા નહીં કરવાનો ટ્રમ્પનો સંકેત

09 August, 2025 06:36 AM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

Trump Tariffs: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે વેપાર કરાર પર વાટાઘાટો કરવાનો ઇનકાર કરી દીધો; ટ્રમ્પે કહ્યું કે જ્યાં સુધી ટેરિફ વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી વાટાઘાટો શરૂ થશે નહીં

ડોનાલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર

યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (United States of America)ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ભારત (India) સાથે વેપાર વાટાઘાટોની શક્યતા (India-US Trade Deal)ને નકારી કાઢી છે. જ્યાં સુધી ટેરિફ (Trump Tariffs)નો મુદ્દો ઉકેલાય નહીં ત્યાં સુધી વેપાર વાટાઘાટો પર કોઈ ચર્ચા નહીં કરવામાં આવે તેવા સંકેત ટ્રમ્પે આપ્યા છે.

અમેરિકાએ હાલમાં ભારત પર ૫૦ ટકા ટકા દંડાત્મક ટેરિફ લાદ્યો છે, જેમાંથી અડધો ગુરુવાર ૭ ઑગસ્ટથી અમલમાં આવ્યો છે અને બાકીનો અડધો ભાગ, જે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ દંડ તરીકે લાદવામાં આવ્યો છે, તે ૨૭ ઑગસ્ટથી અમલમાં આવશે. જ્યારે એક પત્રકારે ટ્રમ્પને પૂછ્યું કે, શું તેઓ ૫૦ ટકા ટેરિફની જાહેરાત કર્યા પછી ભારત સાથે વેપાર વાટાઘાટોમાં વધારો થવાની અપેક્ષા રાખે છે, ત્યારે ટ્રમ્પે ખભા ઉંચા કરીને જવાબ આપ્યો, ‘ના, જ્યાં સુધી આપણે તેનો ઉકેલ ન લાવીએ ત્યાં સુધી નહીં.’

ડોનાલ્ડ ટ્રમ્પની આ ટિપ્પણી બુધવારે વ્હાઇટ હાઉસ (White House)એ રશિયા (Russia) સાથે વ્યાપાર કરવા બદલ ભારત પર ૨૫ ટકા ટેરિફ ઉમેરવાની જાહેરાત કરતા એક એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કર્યાના એક દિવસ પછી આવી છે, જે કહે છે કે, ‘રશિયાની હાનિકારક પ્રવૃત્તિઓનો સામનો કરવાના યુએસના પ્રયાસોને નબળી પાડે છે.’ વ્હાઇટ હાઉસે યુક્રેન પર રશિયાના આક્રમણનો ઉલ્લેખ કરતા ઉમેર્યું કે, ‘ભારત દ્વારા આ તેલનું ખુલ્લા બજારમાં ફરીથી વેચાણ, ઘણીવાર નોંધપાત્ર નફા પર, રશિયન ફેડરેશનના અર્થતંત્રને તેના આક્રમણને ભંડોળ પૂરું પાડવા માટે વધુ સક્ષમ બનાવે છે.’ તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ૨૫ ટકા ટેરિફ લાદીને, ‘રાષ્ટ્રપતિ ટ્રમ્પનો હેતુ દેશોને તેલ આયાત દ્વારા રશિયન ફેડરેશનના અર્થતંત્રને ટેકો આપતા અટકાવવાનો છે અને તેના ચાલુ આક્રમણો માટે રશિયન ફેડરેશન પર ગંભીર આર્થિક પરિણામો લાદવાનો છે.’

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભારતને વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યું છે. મંત્રાલયના પ્રવક્તા ટોમી પિગોટ (Tommy Pigott)એ જણાવ્યું હતું કે, ટેરિફ વિવાદને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ હોવા છતાં, અમેરિકા ભારત સાથે સ્પષ્ટ અને ખુલ્લી વાતચીત કરી રહ્યું છે. ટોમીના મતે, ટ્રમ્પે વેપાર અસંતુલન અને રશિયન તેલની ખરીદી અંગે પોતાની ચિંતાઓ ખૂબ જ સ્પષ્ટ રીતે વ્યક્ત કરી છે. આ સાથે, તેમણે સીધી કાર્યવાહી (ભારત પર ટેરિફ) પણ કરી છે. ટોમીએ સીધી વાતચીત દ્વારા મતભેદોને ઉકેલવા કહ્યું છે.

અમેરિકા દ્વારા કુલ ૫૦ ટકા ટેરિફની જાહેરાત કર્યા બાદ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ કહ્યું હતું કે, ‘ભારત તેના ખેડૂતોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં, ભલે તેના માટે આર્થિક પરિણામોનો સામનો કરવો પડે.’ તેમણે ખેડૂતોના હિતોને તેમની ‘પ્રાથમિકતા’ ગણાવી અને કહ્યું કે ભારત ‘તેના માટે ભારે કિંમત ચૂકવવા તૈયાર’ છે.

donald trump Tarrif united states of america india indian economy international news news world news