02 May, 2026 07:49 AM IST | Moscow | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને તેમની સાથેના ૯૦ મિનિટના ફોનકૉલ દરમ્યાન ઈરાનના એનરિચ્ડ યુરેનિયમનો ૧૧ ટન જથ્થો મેળવવા માટે મદદ કરવાની ઑફર કરી છે. જોકે ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે મદદનો ઇનકાર કર્યો હતો અને જવાબ આપ્યો હતો કે તેઓ યુક્રેન યુદ્ધનો અંત લાવવાનું પસંદ કરે છે.
દુનિયાભરમાં ઍટમિક એનર્જીના મુદ્દે નજર રાખતી યુનાઇટેડ નેશન્સની ઇન્ટરનૅશનલ ઍટમિક એનર્જી એજન્સી (IAEA)એ પણ કહ્યું હતું કે રશિયા હજી પણ ઈરાનના યુરેનિયમ ભંડારને દૂર કરવા તૈયાર છે. આ એ જ યુરેનિયમ છે જેનો ઉપયોગ પરમાણુ શસ્ત્રો બનાવવા માટે થઈ શકે છે. ટ્રમ્પે ઈરાની યુરેનિયમને ન્યુક્લિયર ડસ્ટ ગણાવ્યું છે અને કહ્યું છે કે આ જ કારણ છે કે અમેરિકા ઈરાન સામે કડક પગલાં લઈ રહ્યું છે. અમેરિકાએ ઈરાનની લશ્કરી શક્તિને નોંધપાત્ર રીતે નબળી પાડી દીધી છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઈરાને આશરે ૧૧ ટન (૨૨,૦૦૦ પાઉન્ડ) સમૃદ્ધ યુરેનિયમ એકઠું કર્યું છે. આ એક નોંધપાત્ર જથ્થો છે જે ચિંતાનું કારણ છે. IAEA માને છે કે આનો મોટો ભાગ ઈરાનના ઇસ્ફહાન ન્યુક્લિયર પાવરપ્લાન્ટમાં હોઈ શકે છે, પરંતુ આ વાતની સંપૂર્ણ પુષ્ટિ થઈ નથી કારણ કે ત્યાં સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવ્યું નથી.
યુરેનિયમનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા માટે ઓછી માત્રામાં થાય છે, પરંતુ જો એ વધુ શુદ્ધ બને છે તો એનો ઉપયોગ પરમાણુ શસ્ત્રો બનાવવા માટે થઈ શકે છે. ઈરાનનું યુરેનિયમ ૬૦ ટકા સુધી શુદ્ધ હોવાનું કહેવાય છે, જ્યારે પરમાણુ બૉમ્બ માટે લગભગ ૯૦ ટકા શુદ્ધતાની જરૂર પડે છે.
૨૦૧૫માં ઈરાન અને ઘણા દેશો વચ્ચે એક કરાર થયો હતો જેમાં ઈરાનને એના યુરેનિયમ ભંડારને મર્યાદિત સ્તરમાં રાખવાની જરૂર હતી. જોકે ૨૦૧૮માં અમેરિકાએ આ કરારમાંથી ખસી જવાનો નિર્ણય લીધો. આ પછી ઈરાને પણ યુરેનિયમ સંવર્ધન વધારવાનું શરૂ કર્યું અને સ્તર સતત વધતું રહ્યું હતું. ૨૦૨૫માં અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના તનાવ અને હુમલાઓ પછી ઈરાને પણ IAEA સાથેનો સહયોગ સ્થગિત કરી દીધો, જેને કારણે એના પરમાણુ કાર્યક્રમનું નિરીક્ષણ કરવું વધુ મુશ્કેલ બન્યું છે. સૌથી મોટી સમસ્યા એ છે કે આંતરરાષ્ટ્રીય એજન્સીઓને હવે ખબર નથી કે ઈરાનનો સમગ્ર યુરેનિયમ ભંડાર ક્યાં આવેલો છે અને એને કારણે વિશ્વભરમાં પરમાણુ ખતરા અંગે ચિંતાઓ વધી છે.