ટ્રમ્પ સત્તા છોડતાં પહેલાં પરમાણુ હુમલો ન કરી દે

10 January, 2021 02:54 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ટ્રમ્પ સત્તા છોડતાં પહેલાં પરમાણુ હુમલો ન કરી દે

ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકન સંસદ પરિસરમાં થયેલી હિંસા બાદથી ડેમોક્રૅટિક પાર્ટી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની વિરુદ્ધ મુખર છે. અમેરિકન સંસદના સ્પીકર નૅન્સી પેલોસીએ ડોનલ્ડ ટ્રમ્પને લઈ આશંકા વ્યક્ત કરી છે કે ક્યાંક તેઓ પરમાણુ હુમલો ન કરી દે. નૅન્સી પેલોસીએ ટ્રમ્પને તરત રાષ્ટ્રપતિ પદ છોડાવવાની પણ માગણી કરી છે.

નૅન્સી પેલોસીએ કહ્યું કે તેમણે આ સંબંધમાં અમેરિકન સેનાના જૉઇન્ટ ચીફ ઑફ સ્ટાફના ચૅરમૅન જનરલ માર્ક મિલી સાથે વાત કરી. પેલોસીએ તેમને ‘સનકી’ ટ્રમ્પના સૈન્ય ઍક્શન અને ન્યુક્લિયર હુમલાના આદેશથી દૂર રાખવાનું કહ્યું છે. પેલોસીએ આ સંબંધમાં ડેમોક્રૅટિક સાંસદોને લખેલા પત્રમાં કહ્યું કે તેમણે જનરલ માર્ક મિલીને રાષ્ટ્રપતિ ટ્રમ્પના ન્યુક્લિયર કોડને લઈ વાત કરી છે. ન્યુક્લિયર કોડની મદદથી જ અમેરિકાના રાષ્ટ્રપતિ પરમાણુ હુમલો કરવાનો આદેશ આપે છે.

ટ્રમ્પના રાષ્ટ્રપતિ પદ પરથી હટવાની પોતાની માગણીને દોહરાવતાં નૅન્સી પેલોસીએ કહ્યું કે આ પ્રકારના અસ્થિર મગજવાળા રાષ્ટ્રપતિની સ્થિતિ આનાથી વધુ ખતરનાક હોઈ શકતી નથી અને આપણે આપણા દેશ અને આપણા લોકતંત્ર પર કોઈ હુમલાની સુરક્ષાને લઈ એ બધું જ કરવું જોઈએ જે આપણે કરી શકીએ છીએ. અમેરિકન સંસદના સ્પીકરે એમ પણ કહ્યું કે જેટલું ઝડપી થઈ શકે એટલી ઝડપથી ડોનલ્ડ ટ્રમ્પને પદ પરથી હટાવાની કાર્યવાહી શરૂ કરવાની આશા છે.

international news donald trump