જપાનની ક્રૂઝ પર ત્રણ ભારતીયોની કોરોના ટેસ્ટ પૉઝિટિવ, કુલ સંખ્યા 12 થઈ

24 February, 2020 07:44 AM IST  |  Tokyo

જપાનની ક્રૂઝ પર ત્રણ ભારતીયોની કોરોના ટેસ્ટ પૉઝિટિવ, કુલ સંખ્યા 12 થઈ

કોરોના વાઈરસ

જપાનના દરિયાકાંઠે રહેલા ડાયમન્ડ પ્રિન્સેસ ક્રૂઝમાં સવાર કુલ ૩૭૧૧ પૈકી ૧૩૮ ભારતીય નાગરિકોમાંથી વધુ ચાર ક્રૂ સભ્યોની કોરોના વાઇરસ ટેસ્ટ પૉઝિટિવ આવી છે. આ સાથે કોરોના વાઇરસથી સંક્રમિત ભારતીય નાગરિકોની સંખ્યા ૧૨ થઈ હોવાનું ભારતીય એમ્બેસીએ જણાવ્યું છે.

ગયા સપ્તાહે સંક્રમણથી બચવા માટે અલગ રાખવામાં આવેલા લોકોનો સમયગાળો પૂર્ણ થતાં તેઓએ શિપ છોડવાનું શરૂ કરી દીધું છે. જપાનના ચીફ કૅબિનેટ સેક્રેટરી યોશિહિદે સુગાએ જણાવ્યું છે કે અંદાજે ૧૦૦૦ જેટલા પૅસેન્જર્સ અને ક્રૂ મેમ્બર્સ શિપ પર જ રહેશે. કોવિડ-૧૯ (કોરોના વાઇરસ) ગ્રસ્ત લોકોની વધુ નજીક હોય એવા વધુ ૧૦૦ મુસાફરોને શિપમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. દુર્ભાગ્યપૂર્ણ રીતે આ જથ્થામાં ચાર ભારતીય ક્રૂ સભ્યોની કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવી હોવાનું ભારતીય દૂતાવાસે ટ્‌વીટમાં જણાવ્યું હતું. આ અગાઉ ૮ ભારતીયો કોરોનાથી સંક્રમિત થયા હતા. જોકે તમામ લોકો પર સારવારની સારી અસર થઈ રહી છે.

ક્રૂઝ પર ૧૩૮ ભારતીયો છે જે પૈકી ૧૩૨ ક્રૂ સભ્યો છે જ્યારે ૬ મુસાફરોનો સમાવેશ છે. જપાનના યોકોહામા પોર્ટ પર આ ક્રૂઝને લાંગરવામાં આવ્યું છે. હૉન્ગકૉન્ગમાં આ ક્રૂઝ પરથી ઊતરેલા એક મુસાફરની કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો હતો અને ત્યાર બાદ જપાનના દરિયાકાંઠે આ જહાજ બે મહિનાથી ઊભું છે. આ ક્રૂઝના બે પૂર્વ પ્રવાસીઓ કોરોનાને લીધે મુત્યુ પામ્યા છે. જપાનના સત્તાધીશો આ માટે લોકોને અલગ પાડીને કોરોનાથી સંક્રમિત ન થાય એ રીતે તેમને થોડા દિવસ અલગ પાડીને શિપ પર રાખે છે.

ઈરાનમાં કોરોના વાઇરસથી ૬નાં મોત, ઇટલીમાં ધાર્મિક અને રમતનાં આયોજનો રદ

ચીનમાં ફેલાયેલા કોરોના વાઇરસનો કેર ઈરાનમાં જોવા મળી રહ્યો છે. ઈરાનમાં આ બીમારીથી થોડા દિવસોમાં ૬ જણનાં મોત થયાં છે. શનિવારે અર્ક શહેરમાં એક વ્યક્તિનું મોત થયું છે. શનિવારે ઈટલીમાં પણ આ રોગના પગલે એક વ્યક્તિનું મોત થયું હતું. તેના પગલે ૧૦ જેટલાં શહેરોમાં સાર્વજનિક સ્થળોને બંધ કરવામાં આવ્યાં છે. આ સિવાય લોકો એકબીજાના ઓછા સંપર્કમાં આવે એટલા માટે ધાર્મિક અને રમતના આયોજનને પણ રદ કરવામાં આવ્યા છે. ચીનમાં આ બીમારીથી અત્યાર સુધીમાં ૨૩૪૫ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે જ્યારે ૭૫,૬૬૭ લોકો આ બીમારીનો ભોગ બન્યા છે. આ બીમારીનું કેન્દ્ર રહેલા હુબેઈમાં જ માત્ર ૬૨,૬૬૨ લોકો કોરોનાગ્રસ્ત છે, જ્યારે રાજધાની વુહાનમા કોરોનાથી પીડિત લોકોની સંખ્યા ૪૫,૩૪૬ છે.

ઈરાનમાં અત્યાર સુધીમાં ૨૮ લોકોમાં કોરોના વાઇરસ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. દર્દીઓની ઓછી સંખ્યા હોવા છતાં ૬ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. આ બીમારીથી પીડિત લોકોનો ઈરાનના ચાર શહેરમાં ઈલાજ કરવામાં આવી રહ્યો છે. તેમાં રાજધાની તેહરાન પણ સામેલ છે. આ સિવાય કોમ, અર્ક અને રશ્તમાં પણ દર્દીઓની સારવાર ચાલી રહી છે.

coronavirus japan tokyo international news