કૉન્ગોમાં ​ચિમ્પાન્ઝીનાં ત્રણ બચ્ચાંનું અપહરણ

26 September, 2022 09:26 AM IST  |  Kinshasa | Gujarati Mid-day Correspondent

કિડનૅપર્સે ઍનિમલ સૅન્ક્ચ્યુઅરી પાસેથી ખંડણી માગી 

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કૉન્ગોમાં કિડનૅપર્સે ચિમ્પાન્ઝીનાં ત્રણ બચ્ચાંનું અપહરણ કરીને એક ઍનિમલ સૅન્ક્ચ્યુઅરી પાસેથી ખંડણી માગી છે. 

જે સૅન્ક્ચ્યુઅરીમાંથી આ કિડનૅપ કરાયું છે એના સ્થાપક ફ્રૅન્ક ચનટેરૌએ કહ્યું હતું કે ‘દુનિયામાં પહેલી વખત બાળ ચિમ્પાન્ઝીનું ખંડણી માટે અપહરણ કરાયું છે.’

યંગ ઍનિમલ્સ નામનું તેમનું સૅન્ક્ચ્યુઅરી ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કૉન્ગો અને ઝાંબિયા વચ્ચેની બૉર્ડરની નજીક આવેલા કટંગામાં છે. આ બૉર્ડર વાસ્તવમાં કૉન્ગો અને સાઉથ આફ્રિકા વચ્ચેનો મહત્ત્વનો રૂટ છે, જ્યાંથી વાંદરાઓનું સ્મગલિંગ કરીને દુનિયાની બીજી બધી જગ્યાઓએ મોકલવામાં આવે છે. 

કિડનૅપર્સ નવમી સપ્ટેમ્બરે રાતે ત્રણ વાગ્યે સૅન્ક્ચ્યુઅરીમાં આવ્યા હતા અને પોતાની સાથે ચિમ્પાન્ઝીનાં ત્રણ બચ્ચાંને લઈ ગયાં હતાં. 

ચનટેરૌએ કહ્યું હતું કે ‘કિડનૅપર્સે અમને જણાવ્યું હતું કે મારાં બાળકો વૅકેશનમાં મારી સાથે રહેવાં આવવાનાં હોવાથી તેઓ વાસ્તવમાં મારાં બાળકોનું અપહરણ કરવા ઇચ્છતા હતા. જોકે, મારાં બાળકો નહોતાં આવ્યાં એટલે કિડનૅપર્સ ચિમ્પાન્ઝીનાં ત્રણ બચ્ચાંને લઈ ગયા હતા અને અમારી પાસેથી આ બચ્ચાંને છોડાવવા માટે મોટી રકમ માગી છે.’

આ કિડનૅપર્સે ધમકી આપી છે કે જો તેમની માગણી સંતોષવામાં નહીં આવે તો તેઓ ચિમ્પાન્ઝીનાં આ બચ્ચાંને નુકસાન કરશે. 

ચનટેરૌએ વધુ કહ્યું હતું કે ‘સ્વાભાવિક રીતે ખંડણીની રકમ આપવી અમારા માટે અશક્ય છે. અમારી પાસે રૂપિયા નથી. ઉપરાંત તમારે સમજવું પડે કે જો અમે તેમની વાત માનીશું તો તેઓ બે મહિનામાં ફરી એમ કરશે. વળી, એ પણ ગૅરન્ટી નથી કે તેઓ ચિમ્પાન્ઝીનાં બચ્ચાં અમને પાછાં સોંપી દેશે.’ 

international news