છેલ્લાં ૬૭ વર્ષથી નાહ્યા ન હોવા છતાં કોઈ રોગ નથી આ દાદાને

22 January, 2022 11:01 AM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

હાલમાં અમાઉ જાજી દેજગાહના એક ગામમાં રહે છે, જ્યાં તેમની જીવનશૈલીથી પ્રભાવિત થઈને ગામલોકોએ તેમને રહેવા માટે ઘર બનાવી આપ્યું છે

અમાઉ જાજી

અમાઉ જાજી નામના ઈરાનના ૮૭ વર્ષના આ દાદાના સ્વાસ્થ્યથી વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત છે, કેમ કે તેઓ છેલ્લાં ૬૭ વર્ષથી નાહ્યા નથી તેમ જ પાણી ખાબોચિયામાંથી પીએ છે અને રસ્તા પર થયેલા ઍક્સિડન્ટમાં મૃત્યુ પામેલા જીવોને ખાઈને જીવન વિતાવે છે. 
લગભગ ૬ દસકા પહેલાં અમાઉ જાજીના મનમાં કોઈકે એવું ઠસાવ્યું હતું કે ‘જો તમે નાહશો નહીં તો તમારું નસીબ ખૂલશે.’ ત્યાર બાદ આજે ૬૭ વર્ષ થયાં હાવા છતાં હજી સુધી તેઓ નાહ્યા જ નથી. ખાવા માટે પણ તેઓ બજારમાંથી ખોરાક લાવવાને બદલે રોડ-ઍક્સિડન્ટમાં કચડાઈ જતાં સસલાં અને અન્ય જીવો ખાતા હતા અને એ મરેલા જીવોને ધોવા કે સાફ કરવા તથા પીવા માટે તેઓ ખાબોચિયાનું પાણી જ વાપરતા હતા. 
અમાઉ જાજીની આવી અસામાન્ય જીવનશૈલીને કારણે તેમનાં કોઈ મિત્ર કે સ્ત્રીમિત્ર નથી બની શક્યાં. તેઓ એકલા જ જીવન વિતાવે છે. સમય પસાર કરવા માટે તેમનું પ્રિય કાર્ય છે પાઇપ પીવાનું, જેમાં તેઓ પ્રાણીઓની વિષ્ટાથી બનેલું ખાતર ભરે છે. 
હાલમાં અમાઉ જાજી દેજગાહના એક ગામમાં રહે છે, જ્યાં તેમની જીવનશૈલીથી પ્રભાવિત થઈને ગામલોકોએ તેમને રહેવા માટે ઘર બનાવી આપ્યું છે. જોકે આ પહેલાં તેઓ જમીનમાં ભોંયરું બનાવીને એમાં રહેતા હતા. તબીબો જ્યારે તેમની પાસે પહોંચ્યા ત્યારે તેઓ પણ તેમને જોઈને આશ્ચર્ય પામ્યા હતા. તેમને કોઈ પ્રકારનો રોગ નહોતો ને તેમના શરીરમાં કોઈ રોગના વિષાણુ પણ જોવા નહોતા મળ્યા. અમાઉ જાજી આજીવન દુનિયાથી દૂર રહ્યા હોવા છતાં તેઓ ઇતિહાસની ઘટનાઓ વિશે માહિતગાર હતા. આજે ભલે બધા તેમનું માન જાળવે છે, પણ એક જમાનો હતો જ્યારે લોકો તેમનાથી દૂર રહેતા હતા અને તેમને એકલા રહેવા મજબૂર કર્યા હતા.

offbeat news international news