૨૩ વર્ષનો ગુજરાતી નીરજ અંતાણી અમેરિકાનો યંગેસ્ટ લેજિસ્લેટર

06 November, 2014 05:45 AM IST  | 

૨૩ વર્ષનો ગુજરાતી નીરજ અંતાણી અમેરિકાનો યંગેસ્ટ લેજિસ્લેટર



ઓહાયો ૪૨ હાઉસ ડિસ્ટ્રિક્ટની બેઠક પરથી ચૂંટણી જીતીને અમેરિકામાં યંગેસ્ટ લૉ-મેકર બનેલા નીરજ અંતાણીએ વિક્રમ સરજ્યો છે. નીરજ અંતાણીએ ડેમોક્રૅટિક પાર્ટીના ૬૨ વર્ષની વયના પૅટ્રિક મૉરિસને હરાવ્યા હતા.

ચૂંટણીમાં વિજેતા બન્યા બાદ નીરજે પોતાના ફેસબુક પ્રોફાઇલ પર લખ્યું હતું કે ‘મને ચૂંટી કાઢવા બદલ બધાનો ખૂબ-ખૂબ આભારી છું. મારા મતવિસ્તારના ભલા માટે હું આકરી મહેનત કરીશ અને રોજ સંઘર્ષ કરીશ. આપણે સાથે મળીને તકનું સર્જન કરીશું જેથી અમેરિકન ડ્રીમને બધા સાકાર કરી શકે.’

આ અગાઉ ૨૦૦૬થી ત્રણ ટર્મ માટે જય ગોયલ ઓહાયો હાઉસમાં ૭૩મી ડિસ્ટ્રિક્ટની ચૂંટણી જીત્યા હતા. ઓહાયો હાઉસ માટે ગોયલ પછી આવી સિદ્ધિ મેળવનાર નીરજ બીજો ભારતીય-અમેરિકન છે.

નીરજ અંતાણીનાં માતા-પિતા ૧૯૮૭માં અમેરિકા આવ્યાં હતાં અને વૉશિંગ્ટન ટાઉનશિપમાં સેટલ થયાં હતાં. બાદમાં તેઓ માયામીમાં શિફ્ટ થયાં હતાં. નીરજના પિતા જૈમિનિનું ૨૦૧૦માં મૃત્યુ થયું હતું.

અમેરિકામાં મહત્વની ચૂંટણીઓમાં ભારતીય મૂળના અનેક લોકોએ ઝુકાવ્યું હતું અને એ પૈકીના ઘણા વિજેતા બન્યા છે. સતત બીજી વાર ચૂંટાયેલા ઉમેદવારોમાં સાઉથ કૅરોલિનાનાં ગવર્નર નિક્કી હેલી અને કૅલિફૉર્નિયાનાં ઍટર્ની જનરલ કમલા હૅરિસનો સમાવેશ છે.

રિપબ્લિકન પાર્ટીનાં નિક્કી હેલીને તેમના નજીકના પ્રતિસ્પર્ધી વિન્સેન્ટ શેહીનના ૪૦ ટકાથી પણ ઓછા મતોની સરખામણીએ ૫૭.૮ ટકા મતો મળ્યા હતા. કોલોરાડોમાં રિપબ્લિકન પક્ષના જનક જોશી હાઉસ ૧૬ ડિસ્ટ્રિક્ટમાંથી ચૂંટાઈ આવ્યા હતા.

અમેરિકન કૉન્ગ્રેસનાં એકમાત્ર હિન્દુ સભ્ય તુલસી ગૅબાર્ડ હવાઈમાંથી ફરી ચૂંટાઈ આવ્યા હતા. ૩૩ વર્ષનાં તુલસીને ડેમોક્રૅટિક પક્ષના રાઇઝિંગ સ્ટાર ગણવામાં આવે છે.

ઇરાક સામેના યુદ્ધમાં અમેરિકા માટે સર્વિસ આપી ચૂકેલા ફિઝિશ્યન મનન ત્રિવેદી ડેમોક્રૅટિક પાર્ટી તરફથી ચૂંટણી લડ્યા હતા, પણ સતત ત્રીજી વાર હાર્યા છે. પેન્સિલ્વેનિયા સિક્સ્થ ડિસ્ટ્રિક્ટ બેઠક પરથી મનન ત્રિવેદીને રિપબ્લિકન પાર્ટીના રાયન કોસ્ટેલ્લોએ જંગી માર્જિનથી હરાવ્યા હતા. મનન ત્રિવેદી અગાઉ ૨૦૧૦ અને ૨૦૧૨માં પણ સંસદીય ચૂંટણી હાર્યા હતા.

લિબર્ટેરિયન પાર્ટીની ટિકિટ પરથી અમેરિકન સંસદમાં પ્રવેશવાનું ૩૫ વર્ષની વયના અરવિન વોહરાનું સપનું પણ રોળાઈ ગયું છે.

લેજિસ્લેટર્સની સરેરાશ વય કેટલી?

અમેરિકામાં ૭૩૦૦થી વધારે લેજિસ્લેટર્સ છે. એ પૈકીના પાંચ ટકાથી પણ ઓછા ૩૦થી ઓછાં વર્ષની વયના છે. સંસદના સભ્યોની સરેરાશ વય ૫૭ વર્ષની છે, જ્યારે અમેરિકન સ્ટેટ સેનેટમાં એ વય ૬૨ વર્ષની છે.

૧૮ વર્ષની કન્યા પણ જીતી

૧૮ વર્ષની વયની સાયરા બ્લેર પણ વેસ્ટ વર્જિનિયા હાઉસમાં પ્રતિનિધિ તરીકે ચૂંટાઈ આવેલી અમેરિકાની યંગેસ્ટ લૉ-મેકર બની છે. ૬૩ ટકા મત મેળવીને જીતેલી સાયરા વેસ્ટ વર્જિનિયાના એક નાના ગામનું પ્રતિનિધિત્વ કરશે.

સેનેટ પર રિપબ્લિકનોનો કબજો, ઓબામાને આંચકો

આ વખતના મિડ ટર્મ ઇલેક્શનમાં પ્રમુખ બરાક ઓબામાને જોરદાર આંચકો લાગ્યો છે. રિપબ્લિકન પાર્ટીએ જોરદાર દેખાવ કરીને સંસદના ઉપલા ગૃહ સેનેટમાં બહુમતી પ્રાપ્ત કરી છે. નીચલા ગૃહમાં તો એ પહેલાંથી જ બહુમતીમાં છે. એથી આ ચૂંટણીનું પરિણામ ઓબામાની ડેમોક્રૅટિક પાર્ટી માટે આંચકાદાયક છે. સેનેટમાં બહુમતી પ્રાપ્ત કરવા માટે રિપબ્લિકન પાર્ટીને માત્ર છ બેઠકોની જ જરૂર હતી. પ્રમુખ તરીકેના છેલ્લાં બે વર્ષમાં ઓબામાની મુશ્કેલી વધશે એવું માનવામાં આવે છે.

અમેરિકામાં સેનેટની ૧૦૦માંથી ૩૩ બેઠકો ઉપરાંત નીચલા ગૃહ પ્રતિનિધિસભાની તમામ ૪૩૫ બેઠકો તથા ૩૮ રાજ્યોના ગવર્નરોનાં પદ માટે એકસાથે ચૂંટણી યોજવામાં આવી હતી.