અમેરિકામાં ઑનલાઇન પાર્સલ લોકો સુધી પહોંચે એ પહેલાં જ ટ્રેનમાંથી ચોરાઈ જાય છે

16 January, 2022 09:45 AM IST  |  Los Angeles | Gujarati Mid-day Correspondent

જેઓ ટ્રેન ટ્રૅક પર રોકાય એટલા સમયનો લાભ લઈને લૂટીને જતા રહે છે

પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં ઑનલાઇન ખરીદવામાં આવેલો સામાન અનેક લોકો સુધી પહોંચી શકતો નથી, જેનું કારણ ડિલિવરીમાં ખામી નહીં, પરંતુ ચોરો છે. લૉસ ઍન્જલસમાં રોજેરોજ ડઝનેક માલવાહક ટ્રેનને ચોરો ટાર્ગેટ કરી રહ્યા છે. જેઓ ટ્રેન ટ્રૅક પર રોકાય એટલા સમયનો લાભ લઈને લૂટીને જતા રહે છે. ઍમેઝૉન, ટાર્ગેટ, અપ્સ તેમ જ ફેડએક્સ જેવી અમેરિકાની મુખ્ય ઈ-મેઇલ ઑર્ડર અને કુરિયર કંપનીઓની ડિલિવરી પ્રોડક્ટ્સને ચોરો ટાર્ગેટ કરી રહ્યા છે, જેના કારણે હજારોની સંખ્યામાં બૉક્સિસ અને પ્રોડક્ટ્સ ઑનલાઇન મગાવનારી વ્યક્તિઓ સુધી પહોંચી શકતી નથી. ચોરો બૉક્સિસમાંથી પ્રોડક્ટ્સ લઈ જાય છે અને ખાલી પૅકેટ્સ ટ્રૅક્સ પર છોડી જાય છે.  
લાંબી માલવાહક ટ્રેન ટ્રૅક પર ઊભી રહે ત્યાં સુધી ચોરો રાહ જુએ છે. એ પછી તેઓ ટ્રેનના કન્ટેઇનર્સ પર ચડી જાય છે કે જેના લૉકને બોલ્ટ કટર્સની મદદથી સહેલાઈથી તોડી શકાય છે.
એ પછી તેઓ કોરોનાની ટેસ્ટ કિટ્સ, ફર્નિચર કે મેડિસિન્સ જેવી સાથે લઈ જવી મુશ્કેલ હોય કે પછી વેચવી મુશ્કેલ હોય કે ખૂબ સસ્તી હોય એવી પ્રોડક્ટ્સને ત્યાં જ છોડીને જતા રહે છે.
રેલ ઑપરેટર યુનિયન પૅસિફિક અનુસાર ડિસેમ્બર ૨૦૨૦થી અત્યાર સુધીમાં લૉસ ઍન્જલસ કાઉન્ટીમાં આ પ્રકારની ચોરીની ઘટનાઓમાં ૧૬૦ ટકાનો વધારો થયો છે.
આ ચોરીની સાથે પાર્સલ ડિલિવરીની સાથે સંકળાયેલા કર્મચારીઓ પર હુમલાઓ અને સશસ્ત્ર લૂટનું પ્રમાણ પણ ખૂબ જ વધ્યું છે.
ટ્રેન્સમાં ગેરકાયદે પ્રવેશ અને તોડફોડ બદલ ૨૦૨૧ના છેલ્લા ત્રણ મહિનામાં પોલીસ અને સિક્યૉરિટી એજન્ટ્સે ૧૦૦થી વધુ લોકોની ધરપકડ કરી છે.
રેલ ઑપરેટરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘અપરાધીઓને પકડવામાં આવે છે અને ધરપકડ કરવામાં આવે છે, જેના પછી આરોપોને ઘટાડીને સામાન્ય અપરાધ ગણી લેવામાં આવે છે, જેના લીધે એ વ્યક્તિ નજીવો દંડ ભરીને ૨૪ કલાક કરતાં ઓછા સમયમાં ફરી પાછો છૂટી જાય છે.’ 

international news united states of america