વિશ્વમાં કોરોનાના પૉઝિટિવ આઠ લાખ થયા, 37,797નાં મોત

01 April, 2020 12:22 PM IST  |  Washington | Agencies

વિશ્વમાં કોરોનાના પૉઝિટિવ આઠ લાખ થયા, 37,797નાં મોત

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસના વિશ્વભરમાં ૭,૮૫,૭૭૭ કેસ નોંધાઈ ચૂક્યા છે. મૃત્યુ આંક ૩૭,૮૧૫ થયો છે. અત્યાર સુધીમાં ૧,૬૫,૬૦૭ લોકોને સારવાર બાદ હૉસ્પિટલમાંથી રજા અપાઈ છે. અમેરિકામાં ૧,૬૪,૨૫૩ પૉઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુ આંક ૩૧૬૫ થયો છે. ઈટલીમાં કોરોનાનો કેર યથાવત્ છે, અહીં પૉઝિટિવ કેસ એક લાખ એક હજાર ૭૩૯ થઈ ગયો છે અને મૃત્યુ આંક ૧૧,૫૯૧ થયો છે. નોંધનીય છે કે ઈઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુનો તપાસ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, એક સહયોગીનો રિપોર્ટ પૉઝિટિવ આવતા સેલ્ફ આઇસોલેટ થયા છે.

અમેરિકાના પનામામાં સરકારે જેન્ટરના આધારે ક્વૉરન્ટીનની જાહેરાત કરી છે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓ સોમવાર, બુધવાર અને શુક્રવારે બે કલાક ઘરની બહાર નીકળી શકશે. પુરુષો મંગળવાર, ગુરુવાર અને શનિવારે ઘરની બહાર નીકળી શકશે. રવિવારે કોઈને પણ ઘરની બહાર નીકળવાની પરવાનગી આપવામાં આવી નથી.

એક રિપોર્ટ મુજબ પનામામાં ૧૦૭૫ પૉઝિટિવ કેસ છે. જ્યારે અહીં ૨૭ લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં એક સપ્તાહથી લૉકડાઉન છે જે આગામી ૧૫ દિવસ ચાલુ રહેશે. સાથે લોકોને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.

વૉશિંગ્ટનમાં લોકોને ઘરમાં રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેનો ભંગ કરનારને ૩.૭૦ લાખ (પાંચ હજાર ડૉલર)નો દંડ અથવા ૯૦ દિવસની જેલ અથવા બન્ને સજા ફટકારવામાં આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે બીજા અન્ય દેશની સરખામણીમાં અહીં ૧૦ લાખ લોકોનો રિપોર્ટ કરવામાં આવ્યો છે. અમેરિકાના આરોગ્ય પ્રધાન એલેક્સ અજારે કહ્યું કે અમે દરરોજ એક લાખ સેમ્પલની તપાસ કરી રહ્યા છીએ.

કોલંબિયા જિલ્લાના મેયર મુરિયલ બોસરે સોમવારે ટ્વીટ કર્યું કે કોરોના વાઇરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ કારણે હું કોલંબિયા જિલ્લામાં લોકોને ઘરમાં રહેવાનો આદેશ આપું છું. લોકોને જરૂરી કામ હૉસ્પિટલ જવું હોય, ભોજન માટે, જરૂરી વસ્તુઓ માટે જ ઘરમાંથી બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે. વોશિંગ્ટનના આસપાસના રાજ્યો વર્જિનિયા અને મેરીલૅન્ડમાં એક દિવસ પહેલાં જ આ પ્રકારનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે.

પાકિસ્તાનમાં કોરોના મહામારીનું સંક્રમણ સતત વધી રહ્યું છે, અહીં પૉઝિટિવ કેસની સંખ્યા ૧૮૪૮ થઈ ગઈ છે. અહીં ૨૩ લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં એક દિવસમાં સાત લોકોએ જીવ ગુમાવ્યો છે. પાકિસ્તાનનો પંજાબ વિસ્તાર સૌથી વધારે અસરગ્રસ્ત છે. અહીં ૬૫૧ કેસ અને નવ મોત થયાં છે. સિંધમાં ૬૨૭ પૉઝિટિવ કેસ અને છ લોકોનાં મોત થયાં છે. બલુચિસ્તાનમાં ૧૫૪ કેસ અને એક મોત થયું છે. ઇસ્લામાબાદમાં ૫૨ કેસ નોંધાયા છે.

સોશ્યલ ડિસ્ટન્સિંગનું કડક પાલન : અમેરિકાના લાસ વેગાસમાં બેઘરો માટે કૅશમેન સેન્ટરમાં કરવામાં આવેલી વ્યવસ્થામાં બધાને એકમેકથી ઓછામાં ઓછા એક મીટરના અંતરે સુવાડવામાં આવ્યા હતા. તસવીર : એ.એફ.પી.

international news coronavirus covid19 washington