ચાલબાજ ચીનાઓ: અબજો ડૉલરની લોન સામે ગોલ્ડને નામે તાંબું મૂક્યું

01 July, 2020 07:23 AM IST  |  Wuhan | Mumbai correspondent

ચાલબાજ ચીનાઓ: અબજો ડૉલરની લોન સામે ગોલ્ડને નામે તાંબું મૂક્યું

પ્રતીકાત્મક તસવીર

નૅસ્ડૅક લિસ્ટેડ જ્વેલર અને ચીની કંપની કિંગોલ્ડ જ્વેલરી પર અમેરિકાએ છેતરપિંડીનો આરોપ મૂક્યો છે. અમેરિકામાં લિસ્ટેડ ચીનની કંપનીએ ત્રણ મહિનામાં બીજું મોટું કૌભાંડ આચર્યું છે. અમેરિકન રાજનેતાઓએ દાવો કર્યો છે કે વુહાન ખાતેની આ કંપનીએ તાંબાના ખોટા બારને સોનું ગણાવીને અંદાજે ૨૦ અબજ યુઆન (૨.૮ અબજ અમેરિકી ડૉલર) જેટલાં નાણાં લોનરૂપે એકત્ર કર્યાં હતાં. સોમવારે સવારે આ સમાચાર બહાર આવ્યા બાદ ચાઇનીઝ કંપનીના શૅરના ભાવ ગબડી પડ્યા હતા. જોકે કિંગોલ્ડ કંપનીએ પોતાના પર લગાવાયેલા આક્ષેપોને ખોટા ગણાવ્યા છે, પણ કંપનીએ સામે આવીને કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યું.

કિંગોલ્ડ ચાઇનાની સૌથી મોટી ગોલ્ડ જ્વેલરી મૅન્યુફૅક્ચરર કંપની છે. કંપનીએ લોન લેવા માટે ૮૩ ટન સોનાના બારનો ઉપયોગ કર્યો હતો જે પછીથી ગ્લિટેડ કૉપર હોવાની જાણ થઈ હતી. કંપનીએ છેલ્લાં પાંચ વર્ષમાં ૧૪ ચાઇનીઝ નાણાકીય સંસ્થાન પાસેથી લોન લીધી છે.

ઉલ્લેખનીય છે કે ત્રણ મહિના પહેલાં ચાઇનાની અન્ય એક કંપની લુક્કીન કૉફીએ ૩૧૦ મિલ્યન ડૉલરનું કૌભાંડ આચર્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ બે કંપની ઉપરાંત બીજિંગના ટીએએલ એજ્યુકેશન ગ્રુપે પણ છેતરપિંડી કરી હતી.

છેલ્લા કેટલાક સમયથી ચીની કંપનીઓએ અમેરિકામાં આચરેલા આવા કૌભાંડને કારણે અમેરિકામાં એ કંપનીનો વિરોધ કરવામાં આવ્યો હતો. આટલું ઓછું હોય એમ, ત્યાં કોરોનાના દરદીઓને ધ્યાનમાં રાખીને વૉશિંગ્ટન અને બીજિંગ વચ્ચે પણ તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું છે.

china united states of america international news coronavirus