નવી ટેસ્ટ માત્ર ૪૫ મિનિટમાં જણાવી દેશે કે તમને કોરોના સંક્રમણ છે કે નહિ

23 March, 2020 05:19 PM IST  |  Mumbai Desk | Agencies

નવી ટેસ્ટ માત્ર ૪૫ મિનિટમાં જણાવી દેશે કે તમને કોરોના સંક્રમણ છે કે નહિ

પ્રતીકાત્મક તસવીર

અમેરિકા ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશને કોરોના વાઇરસ માટે એક એવી ટેસ્ટને મંજૂરી આપી દીધી છે જે જૂના ટેસ્ટની તુલનામાં ઘણા ઝડપથી પરિણામ આપવામાં સક્ષમ છે. આ ટેસ્ટ દરદી જ્યાં હોય ત્યાં જઈને પણ કરી શકાય છે અને એ માત્ર ૪૫ મિનિટમાં જણાવી દેશે કે વ્યક્તિને કોરોના સંક્રમણ છે કે નહીં.

આ ટેસ્ટને કૅલિફૉર્નિયાની દવા બનાવતી કંપની સેફિડએ તૈયાર કરી છે. આ ટેસ્ટથી સૌથી મોટો ફાયદો એ છે કે ગંભીર મામલાની સ્થિતિમાં વહેલી તકે સંક્રમણને જાણી શકાશે અને સારવાર શરૂ કરી શકાશે. આવતા સપ્તાહથી જ આ ટેસ્ટનો ઉપયોગ અમેરિકામાં શરૂ થવાની શક્યતા છે.

હેલ્થ અને હ્યુમન સર્વિસ સેક્રેટરી એલેક્સ અજારે જણાવ્યું કે જે ટેસ્ટને અમે માન્યતા આપી છે એ અમેરિકા માટે મોટી રાહત લઈને આવી રહી છે કારણ કે તે માત્ર એક કલાકમાં જણાવી દેશે કે કોરોના સંક્રમણ છે કે નહીં. હાલ જે ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એમાં સંક્રમણની માહિતી આપવા માટે બે દિવસનો સમય લાગી જાય છે. ૩૦ માર્ચ સુધી તેના દ્વારા ટેસ્ટ કરવાનું શરૂ કરી દેવામાં આવશે.

સેફિડ મુજબ આ પ્રકારના ૨૩,૦૦૦ જીન એકસપર્ટ ટેસ્ટ સિસ્ટમ સમગ્ર દુનિયામાં મોકલવામાં આવશે જ્યાં એ કોરોના મામલાની તપાસ માત્ર ૪૫ મિનિટમાં પૂરી કરી દેવાશે.

international news coronavirus covid19