પાકિસ્તાનમાં ગુરુદ્વારા પર થયેલા હુમલાના મુખ્ય સૂત્રધારે માફી માગી

06 January, 2020 12:37 PM IST  |  Mumbai Desk

પાકિસ્તાનમાં ગુરુદ્વારા પર થયેલા હુમલાના મુખ્ય સૂત્રધારે માફી માગી

પાકિસ્તાનના નનકાના સાહિબ ગુરુદ્વારા પર થયેલા હુમલાના વિરોધમાં દિલ્હીના જંતર-મંતરમાં નૅશનલ અકાલી દળના સભ્યોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. (તસવીર : પી.ટી.આઇ.)

ગુરુદ્વારાને મસ્જિદમાં ફેરવી દેવાની ધમકી આપનાર મોહમ્મદ હસને કહ્યું છે કે જો મારી વાતોથી કોઈનું દિલ દુભાયું હોય તો હું કહેવા માગું છું કે સિખો અમારા ભાઈ છે, ભાઈ હતા અને ભાઈ રહેશે. અમે પહેલાંની જેમ જ તેમની ઇજ્જત કરીશું, તેમના ધર્મસ્થળની ઇજ્જત પણ એટલી જ છે.

ઉલ્લેખનીય છે કે નનકાના સાહિબ ગુરુદ્વારા પર ટોળાના હુમલા બાદ ચારે તરફ તેની ટીકા થઈ હતી. ભારતમાં પણ સિખો દ્વારા આ હુમલા સામે દેખાવો થયા હતા જેના પગલે પાકિસ્તાન સરકાર ચારે બાજુથી ઘેરાઈ ગઈ હતી.
પાકિસ્તાન સરકારે તો ઊલટાનું જુઠ્ઠાણું ચલાવીને કહ્યું હતું કે ગુરુદ્વારાની બહાર મામૂલી વાત માટે ઝઘડો થયો હતો. જોકે હુમલાના સૂત્રધારે માફી માગ્યા બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે પાકિસ્તાન સરકારે હુમલો નહીં થયો હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું.

પાકિસ્તાનના પેશાવરમાં સિખ યુવકની ગોળી મારીને હત્યા
પાકિસ્તાનના પેશાવરમાં એક અજાણ્યા હથિયારધારીએ ૨૫ વર્ષના સિખ યુવકની તેના લગ્નનાં થોડાં સપ્તાહ અગાઉ જ હત્યા કરી એના ભારતમાં ઘણા ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આ બનાવની આકરી ઝાટકણી કાઢવામાં આવી છે. ખૈબર પખ્તૂનખ્વાના શાંગલા જિલ્લાનો રહેવાસી સિંઘ ફેબ્રુઆરીમાં યોજાનારાં તેનાં લગ્ન માટે ખરીદી કરી રહ્યો હતો ત્યારે પેશાવરમાં શનિવારે રાતે તેની હત્યા કરવામાં આવી હતી. ગોળીઓથી વીંધાઈ ગયેલું તેનું શબ ચમકાની પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી મળી આવ્યું હતું અને એને હૉસ્પિટલ મોકલી દેવાયું હતું એમ પોલીસે જણાવ્યું હતું.

pakistan islamabad