બાઇડન સરકારનો ડ્રીમર્સ ખરડો પસાર

21 March, 2021 01:21 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

પાંચ લાખ જેટલા ભારતીયોને થશે ફાયદો

જો બાઈડન

અમેરિકાના હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્ઝે બે મહત્ત્વપૂર્ણ બિલ (ખરડો) પસાર કર્યાં છે, જેને પગલે લાખો અનડૉક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ, કેટલાક સ્થળાંતરિત ફાર્મ વર્કર્સ અને જેમનાં માતા-પિતા કાનૂની રાહે અમેરિકામાં આવીને વસ્યાં હોય તેવાં બાળકો માટે નાગરિકત્વ મેળવવા માટેનો માર્ગ મોકળો થશે. ગૃહ દ્વારા ગુરુવારે ૨૨૮-૧૯૭ મતો દ્વારા અમેરિકન ડ્રીમ ઍન્ડ પ્રૉમિસ ઍક્ટ ઑફ ૨૦૨૧ પસાર કરવામાં આવતાં આ પગલાને પ્રમુખ જો બાઇડને આવકાર્યું હતું અને તેમણે એને દેશની ઇમિગ્રેશન સિસ્ટમમાં સુધારણા લાવવા તરફનું પ્રથમ ચરણ ગણાવ્યું હતું.

આ વિધેયકથી ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ ધારકો, ડ્રીમર્સ અને અહીં બાળકો તરીકે આવીને વસનારા અને બીજો કોઈ દેશ ન જાણનારા યુવાન લોકોને ઘણી રાહત મળશે, એમ બાઇડને જણાવ્યું હતું. ડ્રીમર્સ એ મુખ્યત્વે અનડૉક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ છે, જેઓ નાનાં બાળક હતાં ત્યારે તેમનાં માતા-પિતા સાથે અમેરિકામાં આવીને વસ્યાં હતાં. ગયા નવેમ્બરમાં બાઇડન કૅમ્પેન દ્વારા જારી કરવામાં આવેલા પૉલિસી ડૉક્યુમેન્ટ મુજબ, અમેરિકામાં આશરે ૧૧ મિલ્યન અનડૉક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ છે, જેમાંથી ૫,૦૦,૦૦૦ કરતાં વધુ ભારતના છે. અન્ય લોકોની સાથે-સાથે આ વિધેયક ૨૧ વર્ષની વયે પહોંચ્યા બાદ તેમનો કાનૂની દરજ્જો ગુમાવી દેનારાઓને રાહત થશે.

washington joe biden international news