ભારતને મળી મોટી સફળતા, આતંકી મસુદ અઝહર વૈશ્વિક આતંકી જાહેર

01 May, 2019 06:55 PM IST  |  મુંબઈ

ભારતને મળી મોટી સફળતા, આતંકી મસુદ અઝહર વૈશ્વિક આતંકી જાહેર

આતંકી મસુદ અઝહર

ભારત માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. ચીનનું વલણ નરમ પડ્યા બાદ UN એ આતંકી મસુદને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કર્યો છે. જે ભારત માટે મોટી સફળતા કહેવાય. ભારત છેલ્લાં ઘણા સમયથી આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના આકા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટે મથામણ કરી રહ્યું હતું. જેમાં ભારતને આજે મોટી સફળતા મળી છે. મહત્વની વાત એ છે કે ચીનનું વલણ આતંકી મસૂદને લઈને નરમ પડતુ જોવાં મળ્યું હતું અને ચીને વીટો પરત લઇ લીધો હતો.

જાણો, ચીનના વિદેશ મંત્રાલયે શું કહ્યું
આ અંગે ચીનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ગૈગ શુઅંગે કહ્યું હતું કે, 'ચીન આ મુદ્દાનું સમર્થન કરે છે. અમને આશા છે કે સુરક્ષા પરિષદની 1 હજાર 267 સમિતિ હેઠળ આ મુદ્દાનું સમાધાન થશે. આ મામલે ચાલી રહેલા રાજકીય સંવાદમાં હકારાત્મક પ્રગતિ થઈ છે.' આ પહેલા માર્ચ 2019માં મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા મામલે ચીને રોડા નાખ્યાં હતા. ચીને વીટો પાવર વાપરીને મસૂદ અઝહરનો બચાવ કર્યો હતો. ચીને સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં કહ્યુ હતુ કે, અમે પુરાવા વગર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી શકીએ નહીં અને તપાસ માટે હજુ વધુ સમય જોઈએ. ચીને મસૂદ અઝહરનો સંયુક્ત પરિષદમાં ચોથી વાર બચાવ કર્યો હતો. તમને જણાવી દઇએ કે અમેરિકા, ફ્રાંસ, બ્રિટન સિવયા રશિયા અને ચીન સુરક્ષા પરિષદનાં સ્થાયી સભ્યો છે. આ પાંચેય દેશો પાસે વીટોનો અધિકાર છે. જો કોઈ એક સભ્ય વીટોનો ઉપયોગ કરે તો પ્રસ્તાવ રદ કરવામાં આવે છે.

terror attack jaish-e-mohammad