ઓસ્ટ્રિયા: છ સ્થળોએ મુંબઈ જેવો આતંકી હુમલો, 15 લોકોના મોત, અનેક ઘાયલ

03 November, 2020 02:00 PM IST  |  Vienna | Gujarati Mid-day Online Correspondent

ઓસ્ટ્રિયા: છ સ્થળોએ મુંબઈ જેવો આતંકી હુમલો, 15 લોકોના મોત, અનેક ઘાયલ

વીડિયોમાંથી લીધેલા સ્ક્રીન શૉટ

યુરોપના ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં મંગળવાર સવારે આતંકી હુમલો થયો હતો. રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, ફાયરિંગમાં સાત લોકોનાં મોત થયાં છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. વિયેના શહેરમાં એક યહૂદી ઉપાસના ગૃહ સહીત છ અલગ અલગ જગ્યાઓ પર હથિયાર બંધ લોકોએ ગોળીબારની ઘટનાને અંજામ આપ્યો છે.

ઓસ્ટ્રિયાની રાજધાની અને ઐતિહાસિક શહેર વિયેનામાં સોમવારે રાતે લગભગ આઠ વાગ્યે એટલે કે ભારતીય સમય પ્રમાણે મંગળવાર સવારે લગભગ પાંચ વાગ્યે એક યહૂદી ધર્મસ્થળ(સિનેગોગ)ને પણ નિશાન બનાવ્યું છે. શરૂઆતની માહિતી પ્રમાણે, બે રેસ્ટોરન્ટ્સ સહિત છ અલગ અલગ લોકેશન્સ પર ફાયરિંગ થયું હતું. ઓસ્ટ્રિયાના હોમ મિનિસ્ટર કાર્લ નેહમારના જણાવ્યા પ્રમાણે, ઘટનાને આતંકી હુમલા સિવાય બીજું કંઈ ન કહી શકાય. ઘાયલોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઓસ્ટ્રિયાની સરકારી ન્યૂઝ એજન્સી ઓઆરએફના અહેવાલો પ્રમાણે, ઘટના સોમવાર રાતે (ભારતીય સમય પ્રમાણે મંગળવાર સવારે)બની હતી. અપડેટ્સ પ્રમાણે, ઘણા વિસ્તારોમાં અટકી અટકીને ફાયરિંગ ચાલી રહ્યું હતું. મૃતકો વિશે હાલ ચોક્કસ માહિતી સામે આવી નથી. ન્યૂયોર્ક ટાઈમ્સ અને ધ ગાર્જિયને તેની સંખ્યા બે કહી છે. સાથે જ ન્યૂઝ એજન્સી IANSએ મૃતકોનો આંકડો સાત કહ્યો છે. પોલીસે કહ્યું હતું કે સ્થિતિ ખરાબ છે, કૃપા કરીને કોઈપણ સ્થિતિમાં સાર્વજનિક સ્થળો પર જવાથી બચો. મૃતકોમાં એક પોલીસ અધિકારી પણ સામેલ છે.

હુમલાખોરો અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી કે કોણ અને કેટલા છે. પોલીસ પ્રવક્તાએ કહ્યું હતું કે, હુમલામાં એક અધિકારીનું મોત થયું છે. અમે પૂરી શક્તિથી તેમનો મુકાબલો કરી રહ્યા છીએ. એક હુમલાખોર યહૂદી ધર્મસ્થળ સિનેગોગ પાસે ફાયરિંગ કરતો જોવા મળી રહ્યો છે. તેમના ચહેરા પર માસ્ક છે.

વિયેનામાં યહૂદી સમુદાયના નેતા ઓસ્કર ડ્યુટેકે કહ્યું હતું કે ,અમે એવું ન કહી શકીએ કે હુમલો કોણ કર્યો અને શું અમારું ધર્મસ્થળ જ નિશાના પર હતું.

વિયેનામાં આતંકી હુમલાના ઘણા વીડિયો સોશ્યલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. અમુકમાં હુમલાખોર જોવા પણ મળી રહ્યા છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને વિયેનામાં બનેલી આતંકી ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, ઓસ્ટ્રિયાની આ દુઃખદ ઘડીમાં ભારત તેની સાથે ખડપગે છે.

અહીં સોમવાર રાતથી જ મહામારીને રોકવા માટે લૉકડાઉન લાગુ કરવાનું હતું. તે પહેલાં જ આ ઘટના બની છે.

international news austria vienna