કરાચી : પાકિસ્તાનમાં ભડક્યું શિયા-વિરોધી આંદોલન

13 September, 2020 09:39 AM IST  |  Karachi | Agency

કરાચી : પાકિસ્તાનમાં ભડક્યું શિયા-વિરોધી આંદોલન

ગઈ કાલે પાકિસ્તાનના કરાચી શહેરમાં નીકળેલી શિયા-વિરોધી રેલીમાં ઊમટેલી ભીડ, જેમાં સુન્ની મુસ્લિમોએ ભારે સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. તસવીર : એ.એફ.પી.

કરાચીમાં શુક્રવારે શિયા-વિરોધી દેખાવોમાં હજ્જારો લોકો માર્ગો પર ઊતરી આવ્યા હતા, જેને પગલે પાકિસ્તાનમાં મોટા પાયે સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે.

પાકિસ્તાનનું સોશ્યલ મીડિયા આ વિરોધ-પ્રદર્શનનાં પોસ્ટ્સ, ફોટોગ્રાફ અને વિડિયોથી છલકાઈ ઊઠ્યું હતું, જેમાં હજ્જારોની સંખ્યામાં માનવમેદની ‘શિયા કાફિર છે’ બોલતી અને વર્ષોથી શિયાઓને રહેંસી રહેલા આતંકવાદી સંગઠન સિપાહ-એ-સહાબા પાકિસ્તાનનાં બેનરો દર્શાવતું જોઈ શકાય છે.

માધ્યમોના અહેવાલ અનુસાર દેશના કેટલાક અગ્રણી શિયા નેતાઓએ ગયા મહિને અશુરા જુલુસના ટેલિવાઇઝ્ડ પ્રસારણમાં ઇસ્લામ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી કરી, એને પગલે આ વિરોધ-પ્રદર્શનો યોજાયાં હતાં.

ઈસવી સન ૬૮૦માં પ્રોફેટ મુહમ્મદના પૌત્ર હુસ્સૈન અને તેમના અનુયાયીઓએ કરબલાના યુદ્ધમાં શહીદી વહોરી, એની સ્મૃતિરૂપે અશુરા મનાવવામાં આવે છે.

મોહરમ શરૂ થાય, ત્યારથી જ ઘણા શિયા અનુયાયીઓને ધાર્મિક ગ્રંથોનું પઠન કરવા બદલ અને અશુરામાં ભાગ લેવા બદલ નિશાન બનાવવામાં આવે છે. જ્યારે આપણાં ભાઈઓ-બહેનોને તેમની માન્યતાને કારણે મારી નાખવામાં આવતાં હોય, તેમનું અપહરણ કરવામાં આવતું હોય, એવા સમયે આવા વિરોધ-પ્રદર્શનને હળવાશથી ન લેવું જોઈએ, એવી ટિપ્પણી આફ્રીન નામના ઍક્ટિવિસ્ટે કરી હતી.

pakistan karachi international news