એક મહિનામાં કસબનો બદલો લેવાની તાલિબાને આપી ધમકી

30 November, 2012 06:19 AM IST  | 

એક મહિનામાં કસબનો બદલો લેવાની તાલિબાને આપી ધમકી

તહરીક-એ-તાલિબાનના જુનદુલ્લા જૂથના પ્રવક્તા અહેમદ મારવતે બુધવારે અજાણ્યા સ્થળેથી કહ્યું હતું કે અમૃતસર અને હૈદરાબાદમાં અમારા અનેક લડવૈયાઓ છે અને તેઓ ટૂંક સમયમાં કસબના મોતનો બદલો લેવા માટ હુમલો કરશે. પશ્તૂન ભાષામાં બોલતાં મારવતે એમ પણ કહ્યું હતું કે એક કસબની મોત બાદ બીજા અનેક યુવાનો કસબને રસ્તે ચાલવા તૈયાર થઈ ગયા છે.

પાકિસ્તાની મિડિયાના અહેવાલ મુજબ અફઘાનિસ્તાન સાથે જોડાયેલી પાકિસ્તાનની ઉત્તર-પશ્ચિમ સીમા પર આવેલા કોઈ સ્થળેથી મારવતે આ ધમકી આપી હતી. આ વિસ્તારને તાલિબાન અને અલ-કાયદાના સભ્યો માટે સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે. હજી થોડા સમય પહેલાં જ તાલિબાનના અન્ય એક પ્રવક્તા અહેસાનુલ્લા અહેસાને પણ કસબના મોતનો બદલો લેવા માટે ભારતમાં હુમલા કરવાની ધમકી આપી હતી. આ જૂથે અમેરિકાના ટાઇમ્સ સ્ક્વેરમાં હુમલાના નિષ્ફળ પ્રયાસની જવાબદારી સ્વીકારી હતી. તહેરીક-એ-તાલિબાનનું જુનદુલ્લા નામે ઓળખાતું જૂથ અલ-કાયદાની નજીક માનવામાં આવે છે.