નેતાજીના પ્લેન-ક્રૅશ વિશે રિસર્ચ કરવું છે? તાઇવાને આપ્યું આમંત્રણ

24 January, 2022 09:13 AM IST  |  Taipei | Gujarati Mid-day Correspondent

નેતાજીએ ભારતને મુક્ત કરાવવા માટે મોટા ભાગે વિદેશની ભૂમિ પરથી લડાઈ લડી હતી

પ્રતીકાત્મક તસવીર

નેતાજી સુભાષચન્દ્ર બોઝના નિધનને લઈને આટલાં વર્ષો બાદ પણ વિવાદ અકબંધ છે. કેન્દ્ર સરકારે ભૂતકાળમાં એના વિશે જવાબ પણ આપ્યો છે, પરંતુ એના પર અનેક લોકોને વિશ્વાસ નથી. દરમ્યાનમાં તાઇવાને ભારતીય સ્કૉલર્સને તેમના દેશમાં આવીને તેમના આર્કાઇવ્સમાં અવેલેબલ બોઝને સંબંધિત ઐતિહાસિક દસ્તાવેજોની સ્ટડી કરવા માટે આમંત્રણ આપ્યું છે. નોંધપાત્ર છે કે તાઇવાનમાં જ ૧૯૪૫માં નેતાજીનું પ્લેન ક્રૅશ થયું હોવાનું જણાવવામાં આવ્યું છે. 
નેતાજીની ૧૨૫મી જન્મજયંતીની ઉજવણી માટે ગઈ કાલે ફિક્કી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભારત ખાતે તાઇવાનના નાયબ દૂત મુમિન ચેને ભારતના આ મહાન ફ્રીડમ ફાઇટર વિશે વધુ અભ્યાસ કરવા માટે ભારતીય સ્કૉલર્સ માટે નૅશનલ આર્કાઇવ્સ ખોલવાની વાત કહી હતી.  
મુમિન ચેને કહ્યું હતું કે ‘નેતાજી અને ભારતની આઝાદીની ચળવળ વિશે અનેક ઐતિહાસિક પુરાવા અને દસ્તાવેજો તાઇવાનમાં છે. હાલના સમયે ઘણા ઓછા ભારતીય સ્કૉલર્સે આ બાબત નોટિસ કરી છે. ફોટોગ્રાફ્સ અને ઐતિહાસિક દસ્તાવેજો છે, જે નેતાજી વિશે અનેક રિપોર્ટ્સ સૂચવે છે.’
નેતાજીએ ભારતને મુક્ત કરાવવા માટે મોટા ભાગે વિદેશની ભૂમિ પરથી લડાઈ લડી હતી. 
તાઇવાનના આ ડિપ્લોમેટે વધુ કહ્યું હતું કે ‘હું ઇન્ડિયામાં અમારા ફ્રેન્ડ્સને આ વિશે કંઈક કરવા અપીલ કરું છું. અમારી પાસે નૅશનલ આર્કાઇવ્સ અને ડેટાબેઝ છે. ભારતીય સ્કૉલર્સ તાઇવાન આવીને નેતાજી અને તેમના વારસા વિશે વધુ જાણકારી મેળવી શકશે કે જેમનો ૧૯૩૦ અને ૧૯૪૦ના દશકમાં તાઇવાન પર ખૂબ જ પ્રભાવ હતો.’
નેતાજીના નિધનના રહસ્ય વિશે અનેક બુક્સ લખવામાં આવી છે. સરકાર દ્વારા અનેક તપાસ પંચ નિમાયા છે અને તેમણે તેમના રિપોર્ટ્સ રજૂ કર્યા છે. 

international news taiwan subhash chandra bose