વિશ્વનો સૌથી સુખી દેશ છે સ્વિટ્ઝરલૅન્ડ

30 November, 2012 03:18 AM IST  | 

વિશ્વનો સૌથી સુખી દેશ છે સ્વિટ્ઝરલૅન્ડ


૨૦૧૩ના વર્ષમાં વિશ્વમાં જન્મ લેવાનો કોઈ સૌથી શ્રેષ્ઠ દેશ હોય તો એ સ્વિટ્ઝરલૅન્ડ છે. સ્વિટ્ઝરલૅન્ડમાં જન્મ લેતા લોકો જીવનની ગુણવત્તા, આરોગ્ય, સમૃદ્ધિ તથા જાહેર સંસ્થાઓમાં વિશ્વાસની દૃષ્ટિએ સૌથી સુખી છે. પ્રતિષ્ઠિત મૅગેઝિન ધ ઇકૉનૉમિસ્ટની એક બ્રાન્ચ ધ ઇકૉનૉમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (ઇઆઇયુ) દ્વારા કરવામાં આવેલી યાદીમાં વિશ્વના સૌથી સુખી દેશોમાં સ્વિટ્ઝરલૅન્ડ ટોચના ક્રમે છે. એ પછીના ક્રમે ઑસ્ટ્રેલિયા અને નૉર્વે છે, જ્યારે ચોથા અને પાંચમા ક્રમે સ્વીડન અને ડેન્માર્ક છે.

ઈઆઇયુના નિષ્ણાતોએ આરોગ્ય, સુરક્ષા અને સમૃદ્ધ જીવનની શક્યતાઓ ચકાસવા માટે વિશ્વના દેશોનો અભ્યાસ કર્યો હતો. તેમણે ગુનાખોરીનો દર, જાહેર સંસ્થાઓમાં વિશ્વાસ તથા આરોગ્ય સુવિધાઓ જેવા માપદંડોને આધારે વિવિધ દેશોમાં જીવનની ગુણવત્તા ચકાસી હતી. આ યાદીની રસપ્રદ વાત એ છે કે જર્મની, ફ્રાન્સ અને બ્રિટન જેવા યુરોપના અગ્રણી દેશોનાં નામ ટૉપ-૧૦માં પણ નથી. યાદીમાં જર્મની અને અમેરિકા ૧૬મા ક્રમે છે, જ્યારે બ્રિટન ૨૭મા, ગ્રીસ ૩૪મા, બ્રાઝિલ ૩૭મા, સાઉદી અરેબિયા ૩૮મા, ચીન ૪૯મા ઇરાન ૫૮મા અને ભારત છેક ૬૬મા ક્રમે છે. ભારત પછીના ક્રમે આવતા દેશોમાં રશિયા ૭૩મા ક્રમે, પાકિસ્તાન ૭૫મા, બંગલા દેશ ૭૭મા અને સૌથી છેલ્લે નાઇજિરિયા ૮૦મા ક્રમે છે.