ટૂથબ્રશને કારણે બચ્યું સો અબજ ડૉલરનું ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન

07 September, 2012 05:35 AM IST  | 

ટૂથબ્રશને કારણે બચ્યું સો અબજ ડૉલરનું ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન

ગુજરાતની વતની અમેરિકી અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સને તેના જૅપનીઝ સાથીની મદદથી ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)માં ખોરવાયેલો વીજપુરવઠો ચાલુ કરવામાં સફળતા મળી છે.

રસપ્રદ વાત એ છે કે સુનીતા અને જપાનના ઍસ્ટ્રોનૉટ અકીહીકો હોશિદે સામાન્ય ટૂથબ્રશની મદદથી આ કામ પાર પાડી શક્યાં હતાં. આઇએસએસમાં વીજવ્યવહાર ચાલુ કરવા માટે નવું ઇલેક્ટ્રિકલ યુનિટ ઇન્સ્ટૉલ કરવું જરૂરી હતું. જોકે જે જગ્યાએ આ યુનિટ ફિટ કરવાનું હતું એનું કવર ખૂલી રહ્યું નહોતું. સ્પેસ સ્ટેશન પર વીજળીનો પુરવઠો મર્યાદિત હતો તેથી આ યુનિટ જેમ બને એમ જલદી ફિટ થાય એ જરૂરી હતું.

સુનીતા અને તેના સાથીએ પહેલી વાર કરેલા સ્પેસ-વૉક દરમ્યાન ક્લીનિંગ માટેના સાધનથી ઇલેક્ટ્રિક યુનિટના બોલ્ટ પર જમા કચરો સાફ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓ સફળ થઈ શક્યાં નહોતાં.

બાદમાં સ્પેસ સ્ટેશનના છ અવકાશયાત્રીઓએ ખામી સુધારવાનો ઉપાય શોધવા માટે ડિસ્કશન કર્યું હતું. આ ચર્ચા દરમ્યાન તેમને ટૂથબ્રશથી ટ્રાય કરી જોવાનો આઇડિયા આવ્યો હતો. એ પછી બુધવારે બીજા સ્પેસ-વૉક દરમ્યાન સુનીતાને ટૂથબ્રશની મદદથી આ કચરો સાફ કરવામાં સફળતા મળી હતી. તેમણે સતત ચાર કલાક સુધી ટૂથબ્રશ ઘસીને બોલ્ટ્સ પર જમા કચરો સાફ કર્યો હતો. સુનીતાએ તેના બ્લૉગમાં લખ્યું હતું કે તેમણે સતત દસ કલાક સુધી ખાધાપીધા વગર કામ કર્યું હતું.