કુદરત કોપાયમાન : ગ્લોબલ વૉર્મિંગની અસરથી દુનિયા સ્તબ્ધ

18 April, 2016 03:49 AM IST  | 

કુદરત કોપાયમાન : ગ્લોબલ વૉર્મિંગની અસરથી દુનિયા સ્તબ્ધ




ઉરુગ્વેમાં ટૉર્નેડો : સાઉથ અમેરિકાના ઉરુગ્વે દેશમાં શનિવારે વિનાશક ટૉર્નેડો ત્રાટકતાં સંખ્યાબંધ ઘરો તૂટી પડ્યાં હતાં અને રસ્તા પર પાર્ક કરેલાં વાહનો ઊંધાં વળી ગયાં હતાં.


ચિલીમાં બેફામ વરસાદથી તબાહી



એક્વાડોરમાં ભારે તારાજી : સાઉથ અમેરિકાના દેશ એક્વાડોરમાં શનિવારે રાત્રે ૭.૮ની તીવ્રતાના આવેલા ધરતીકંપમાં ભારે તારાજી સર્જાઈ છે. સંખ્યાબંધ મકાનો તૂટી ગયાં છે. બ્રિજ અને ફ્લાયઆવરો ધરાશાયી થતાં વાહનોને નુકસાન થયું છે.


જપાનના વિનાશક ધરતીકંપ બાદ લૅટિન અમેરિકાના દેશ એક્વાડોરમાં શનિવારે રાત્રે ૭.૮ની તીવ્રતાનો ધરતીકંપ આવતાં ૨૩૩ જણ માર્યા ગયા હતા અને ૫૮૮ જણ ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં સંખ્યાબંધ બિલ્ડિંગો અને બ્રિજ તૂટી પડ્યા હતા. લોકો તેમનાં રહેઠાણોમાંથી દોડીને બહાર રસ્તા પર આવી ગયા હતા.


અનેક દાયકા પછી ખૂબ ભયંકર રીતે ધરતી ધ્રૂજી હતી. આ દુર્ઘટનાનો મરણાંક હજી વધવાની શક્યતા છે. સ્થાનિક સરકારે ભૂકંપમાં સૌથી વધારે નુકસાન સહન કરનારા છ પ્રાંતોમાં ઇમર્જન્સી જાહેર કરી છે.

જપાનમાં કારમાં સૂએ છે લોકો

સાઉથ જપાનના ઓઝુ શહેરમાં ચોવીસ કલાકના ગાળામાં એક પછી એક રાતને વખતે આવેલા ધરતીકંપના બે આંચકાથી લોકોનાં લાકડાનાં રહેઠાણોની સ્થિરતા જોખમમાં હોવાથી સેંકડો પરિવારો મોટરકારમાં અથવા સાર્વજનિક બગીચામાં સૂવા માંડ્યા છે. આ બે ધરતીકંપમાં ૪૧ જણ માર્યા ગયા હતા અને ૧૫૦૦ લોકોને ઈજા થઈ હતી. મૃતકોમાં અડધા માશિકી શહેરના હતા. અનેક ઠેકાણે ભેખડો ધસી પડતાં હાઇવે બંધ થયા હતા અને વાહનવ્યવહાર ખોરવાયો હતો. કેટલાંક ઠેકાણે ભેખડો રહેઠાણો પર પડતાં ઘર તૂટી ગયાં હતાં. મિનામિયાસો શહેરમાં ચાર જણ સહિત જપાનમાં કુલ ૧૧ જણ ગુમ થયા છે. વાહન ઉત્પાદક કંપની ટૉયોટાએ એના વાહનોનું જપાનમાં ચાલતું ઍસેમ્બલિંગ પરિસ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી મુલતવી રાખ્યું છે.

અમેરિકા કરશે જપાનને મદદ


કુદરતી આફતને કારણે અનેક પ્રાંતોમાં લોકોનાં ઘર ખાલી કરાવવામાં આવતાં ૧,૮૦,૦૦૦ લોકો નિરાશ્રિત બન્યા છે. નિરાશ્રિતોએ જણાવ્યું હતું કે ભોજનનું વિતરણ સારી રીતે નથી ચાલતું અને ડિનરમાં ફક્ત બે વાટકા ભાત મળે છે. અમેરિકાએ એના જપાનસ્થિત નૌકાદળ અને હવાઈ દળનાં મથકો પર ગોઠવાયેલા ૫૦,૦૦૦ સૈનિકો દ્વારા ભૂકંપગ્રસ્તોના બચાવ તથા રાહતના અભિયાનમાં સહાય કરવાની જાહેરાત કરી હતી. જપાનના વડા પ્રધાન શિન્ઝો અબેએ આ ઑફર બદલ અમેરિકાનો આભાર માનતાં ઇમર્જન્સી રિલીફ મટીરિયલ વહેલી તકે મોકલવાનો અમેરિકી સત્તાવાળાઓને અનુરોધ કર્યો હતો.

મિઝોરમમાં તોફાની વરસાદ

મિઝોરમમાં ચોમાસા પૂર્વેના તોફાનમાં ભારે વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાતાં મિઝોરમ-બંગલા દેશ-ત્રિપુરા બૉર્ડર  પર આવેલા મમિત ગામમાં છેલ્લા ૪૮ કલાકમાં ઓછામાં ઓછાં ૩૫૦ ઘરોને નુકસાન થયું હતું. મમિત ગામમાં ૬૫ ખાનગી ઘરોને નુકસાન પહોંચ્યું હતું અને ૧૬ ઘરો સંપૂર્ણપણે ધરાશાયી થયાં હતાં. ૨૧ સરકારી મકાનોને નુકસાન પહોંચ્યું હતું. મમિતમાં ભારે પવનને લીધે ચર્ચ ઑફ ગૉડ (સેવન્થ ડે)નું મકાન સપૂંર્ણપણે નાશ પામ્યું હતું. આ માહિતી મમિતના જિલ્લા ડેપ્યુટી કમિશનરે આપી હતી.

ચિલીમાં બેફામ વરસાદથી તબાહી

લૅટિન અમેરિકાના દેશ ચિલીના મધ્ય ભાગના પ્રાંતોમાં બેફામ વરસાદ અને ભેખડો પડવાના બનાવોને કારણે તબાહી મચી ગઈ છે. ચિલીના પાટનગર સૅન્ટિયેગોમાં ભેખડો પડવાને કારણે ૪૦ લાખ લોકોને પીવાના પાણીનો પુરવઠો બંધ થયો છે. સ્થાનિક લોકોના નળમાં નૉર્મલ કરતાં ૩૫ ટકા પાણી આવતું હતું.

વરસાદનું પાણી ધસી જવાને કારણે વિશ્વની સૌથી મોટી તાંબાની ખાણનું કામકાજ ત્રણ દિવસ બંધ કરવાની ફરજ પડી છે. કોડેલ્હો કંપનીની ૩૦૦૦ કિલોમીટરની ગૅલરી ધરાવતી એલ તેનિયેન્તે ખાણ ત્રણ દિવસો સુધી બંધ રાખવાથી પાંચ હજાર ટન તાંબાના ઉત્પાદનની ખોટ જવાનો અંદાજ રાખવામાં આવે છે.