આકરા પ્રતિબંધ લગાવનારા જિનપિંગે માસ્ક વિના લોકો સાથે વાતચીત કરી

11 June, 2022 11:46 AM IST  |  Mumbai | Agency

નિરીક્ષણ દરમ્યાન શીએ જણાવ્યું હતું કે તમામ વિસ્તારો અને વિભાગોએ સ્થિર અને સ્વસ્થ આર્થિક, સામાજિક અને રાજકીય વાતાવરણ જાળવવા પ્રયત્ન કરવો જોઈએ.

તસવીર સૌજન્ય મિડ-ડે

શાંઘાઈમાં કોવિડ-19 પગલાંનું સખતાઈથી પાલન કરવામાં આવી રહ્યું છે ત્યારે રાષ્ટ્રપતિ શી જિનપિંગે સાઉથ વેસ્ટ ચીનના સિચુઆન પ્રાંતમાં સ્થાનિક લોકો સાથે ફેસ-માસ્ક પહેર્યા વિના જ વાતચીત કરી હતી. કોવિડ-19 ફરી ત્રાટકવાના તોળાઈ રહેલા ભય વચ્ચે ચીનની સરકારે શાંઘાઈના સબર્બન જિલ્લા મીનહાંગમાં પ્રતિબંધ લાદવાના આદેશ આપ્યા છે. 
ચીનની સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે બુધવારે શી જિનપિંગ સિચુઆનના મેઇશાનની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે તેમણે કે તેમની સાથેના અધિકારીઓએ માસ્ક પહેર્યો ન હોવાનું સ્પષ્ટ જોઈ શકાતું હતું. માત્ર કેટલાક ઇનડોર પ્રસંગોમાં સ્થાનિકો તેમ જ અધિકારીઓએ માસ્ક પહેર્યા હતા. શી જિંનપિંગની મુલાકાતના રિલીઝ થયેલા ફોટાઓમાં જોઈ શકાતું હતું કે રાષ્ટ્રપતિ મધ્યમાં ઊભા રહીને સંબોધન કરી રહ્યા છે, જ્યારે કે લોકો વર્તુળાકારે તેમને ઘેરીને ઊભા છે. સત્તાવાર મીડિયા અહેવાલોમાંથી જાણવા મળ્યા મુજબ રાષ્ટ્રપતિની મુલાકાત અને જનતાને સંબોધન દરમ્યાન  ‘ફાર્મલૅન્ડ બાંધકામ’, ‘ખાદ્ય ઉત્પાદન’ અને ‘ગ્રામીણ પુનરુત્થાન’ પછીના સ્થાને  ‘રોગચાળા નિવારણ અને નિયંત્રણ’ મૂકવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમ્યાન શીએ જણાવ્યું હતું કે તમામ વિસ્તારો અને વિભાગોએ સ્થિર અને સ્વસ્થ આર્થિક, સામાજિક અને રાજકીય વાતાવરણ જાળવવા પ્રયત્ન કરવો જોઈએ.

શાંઘાઈમાં ફરીથી લાખો લોકો લૉકડાઉન હેઠળ રહેશે 

નાગરિકોની તકલીફો અને વેપાર પર પડતી અસરોને ધ્યાનમાં લઈને બે મહિનાના આકરા લૉકડાઉનને ઉઠાવી લેવાયાના માત્ર દસ જ દિવસના બ્રેક પછી  ચીનના વેપાર હબ મનાતા શાંઘાઈ શહેરમાં લાખો લોકોના સામૂહિક કોવિડ-19 ટેસ્ટિંગ માટે ફરી એક વાર લૉકડાઉન લાદવામાં આવશે.  જાણીતા સેલોંમાં સમૂહમાં કોવિડ કેસ મળી આવવા ઉપરાંત અનેક સામુદાયિક કેસ શોધાયા બાદ અધિકારીઓએ અઠવાડિયાના અંત સુધીમાં શાંઘાઈના ૧૬માંથી ૧૪ જિલ્લાઓમાં તમામ રહેવાસીઓ માટે ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટના આદેશ આપ્યા હતા. પાંચ જિલ્લાઓએ જણાવ્યું હતું કે જ્યારે પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે રહેવાસીઓને તેમના ઘર છોડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ચાંગનિંગ જિલ્લા દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં ઘરમાં રહેવાની જરૂરિયાતને જેમનાં સૅમ્પલ્સ લેવામાં આવી રહ્યાં હોય તે સમુદાય માટે ક્લોઝ્ડ મૅનેજમેન્ટ (આવશ્યક બંધ વ્યવસ્થા) તરીકે ઓળખાવાઈ હતી. ટ્વિટર જેવા જ ચીનના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ વેઇબો દ્વારા લાંબા સમય માટે લૉકડાઉન લાગવાની સંભાવના વ્યક્ત કરવામાં આવ્યા બાદ ખોરાકની તેમ જ અન્ય આવશ્યક ચીજોનો સંગ્રહ કરવા માટે ઑનલાઇન તેમ જ ગ્રોસરી સ્ટોર પર ઊમટી પડેલી ભીડને કારણે કોવિડ કેસમાં ફરી ઉછાળો નોંધાયો હતો.

international news china xi jinping