Video : અને વધુ સ્પીડે જતી ટ્રેન પાટા પરથી ઊથલી, ૮૦નાં મોત

26 July, 2013 11:07 AM IST  | 

Video : અને વધુ સ્પીડે જતી ટ્રેન પાટા પરથી ઊથલી, ૮૦નાં મોત




સ્પેનની રાજધાની મૅડ્રિડથી ફેરો શહેર તરફ જઈ રહેલી એક ટ્રેન બુધવારે રાત્રે સ્થાનિક સમય અનુસાર ૮.૪૨ વાગ્યે (ભારતીય સમય મુજબ રાત્રે ૧૨.૧૨ વાગ્યે) ગૅલિસિયા પ્રાંતના સેંટિયાગો ડે કમ્પોસ્ટેલા શહેર પાસે વળાંક પર પાટા પરથી ઊથલી જતાં ૮૦ પૅસેન્જરોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે ૧૪૦ ઘાયલ થયા હતા. ૧૯૪૪ બાદ સ્પેનમાં આવી આ પહેલી ગોઝારી દુર્ઘટના બની હતી અને ટ્રેન એની સ્પીડ લિમિટ કરતાં બમણી ઝડપે જઈ રહી હતી ત્યારે આ ઍક્સિડન્ટ થયો હતો. આ ઍક્સિડન્ટ કેવી રીતે થયો એ કહેવું હાલમાં ઘણું વહેલું કહેવાશે પણ એનું બ્લૅક બૉક્સ મળ્યાં બાદ સાચી હકીકત જાણવા મળશે. તેમાં ૨૧૮ પૅસેન્જરો અને ચાર ક્રૂ મેમ્બરો હતા. ટ્રેનના એક ડ્રાઇવરને એન્જિનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને તેણે પોલીસને એવું કહ્યાનું જાણવા મળે છે કે ‘વળાંક પર ટ્રેનની સ્પીડ ૧૯૦ કિલોમીટર પ્રતિ કલાકની હતી.’ આ સેક્શનમાં સ્પીડ લિમિટ માત્ર ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની છે.


VIDEO




આ પ્રાંતમાં હાલમાં ક્રિશ્ચિયન લોકોનો મોટો ઉત્સવ ચાલી રહ્યો હોવાથી ઘણા લોકો તેમાં ભાગ લેવા માટે આવી રહ્યા હતા. ટ્રેનના ૧૩ ડબ્બા પૈકી ચાર ઊંધા વળી ગયા હતા અને બાકીના પાટા પરથી ખડી પડ્યા હતા. એક ડબ્બો સાવ ચગદાઈ ગયો હતો અને તેમાંથી લોકોને બહાર કાઢવા માટે પતરાં કાપવાં પડ્યાં હતાં. ટ્રેનમાંથી ૭૩ પૅસેન્જરોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. પાંચ પૅસેન્જરોએ ઉપચાર દરમ્યાન હૉસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. ઘાયલોમાં ૯૫ને હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે જે પૈકી ૩૬ ગંભીર છે જેમાં ચારનો પણ બાળકોનો સમાવેશ છે.



સ્પેનમાં ત્રણ દિવસનો રાજકીય શોક

આ દુર્ઘટના બાબતે બે રીતે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. એક તપાસ જુડિશ્યલ ટીમ કરશે, જ્યારે રેલવે ઍક્સિડન્ટ વિશેનું કમિશન બીજી તપાસ હાથ ધરશે. સ્પેનમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.