એન્જિનિયરો ૪૭ માળના બિલ્ડિંગમાં લિફ્ટ મૂકવાનું ભૂલી ગયા

11 August, 2013 10:15 AM IST  | 

એન્જિનિયરો ૪૭ માળના બિલ્ડિંગમાં લિફ્ટ મૂકવાનું ભૂલી ગયા



સ્પેનના બેનર્ડિોમ નામના શહેરમાં ટેમ્પો ટાવર નામે ૨૦૦ મીટર ઊંચું બિલ્ડિંગ બાંધવામાં આવ્યું હતું. આ બિલ્ડિંગને સ્પેનના આર્થિક વિકાસના પ્રતીક તરીકે વિકસાવવામાં આવી રહ્યું હતું. જોકે બાંધકામ પૂરું થવાને આડે થોડા જ મહિનાઓ બાકી હતા ત્યારે બિલ્ડિંગ બાંધનાર એન્જિનિયરોને ટ્યુબલાઇટ થઈ હતી કે સાલું લિફ્ટ ફિટ કરવાનું જ ભૂલી ગયા છીએ.

વાત એમ હતી કે શરૂઆતમાં બિલ્ડિંગના બન્ને ટાવર ૨૦ માળના રાખવાનું નક્કી થયું હતું. પણ અડધું કામ પૂરું થયા પછી ડેવલપરોએ વધુ ૨૭ માળ બાંધી દેવાનું નક્કી કરી દીધું હતું. બિલ્ડિંગમાં ૨૦ માળ સુધી તો લિફ્ટ છે, પણ એ પછીના માળ ચડવા માટે લિફ્ટ બાંધવાનું એન્જિનિયરો ભૂલી ગયા હતા. હવે સ્થિતિ એ છે કે બિલ્ડિંગમાં લિફ્ટ બાંધવા માટેની જગ્યા બચી નથી તેથી આર્કિટેક્ટને નવેસરથી ડિઝાઇન બનાવવાનું કહેવામાં આવ્યું છે. સ્પેનમાં આર્થિક તેજીના સમયમાં બિલ્ડિંગનું બાંધકામ શરૂ થયું હતું, પણ હવે દેશનું અર્થતંત્ર કથળતાં બિલ્ડિંગનું કામ ધીમું પડ્યું હતું. થોડા સમય પહેલાં જ સ્પેનની સરકારે મૅડ્રિડ શહેર પાસે કરોડોના ખર્ચે બનાવેલું ઍરર્પોટ વેચવા કાઢ્યું હતું.