હૅલોવીનમાં હાહાકારઃ ચાર મીટર પહોળી ગલીમાં એક લાખ લોકો

31 October, 2022 09:54 AM IST  |  Seoulse | Gujarati Mid-day Correspondent

સાઉથ કોરિયાની રાજધાની સોલમાં હૅલોવીનની ઉજવણી દરમ્યાન ભાગદોડ અને ધક્કામુક્કીમાં ૧૫૧ લોકોનાં મૃત્યુ અને ૧૦૦થી વધારે લોકોને ઈજા થઈ

સાઉથ કોરિયાની રાજધાની સોલમાં શનિવારે સાંકડી અને ઢોળાવવાળી ગલીમાં મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકો

સાઉથ કોરિયાની રાજધાની સોલમાં હૅલોવીનની ઉજવણી આક્રંદ અને મૃતદેહોના ઢગલામાં ફેરવાઈ ગઈ હતી. અહીં ભાગદોડ અને ધક્કામુક્કીમાં ૧૫૧ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે ૧૦૦થી વધારે લોકોને ઈજા થઈ હતી. ફાયર ડિપાર્ટમેન્ટને શનિવારે રાતે સ્થાનિક સમય અનુસાર સાડાદસ વાગ્યે રિપોર્ટ્સ મળવાનું શરૂ થયું હતું કે અનેક લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે ઘટનાસ્થળે ૫૦ જણને કાર્ડિઍક અરેસ્ટ આવ્યો હતો.

કોરિયાના ઇતિહાસમાં આ સૌથી જીવલેણ ​સ્ટૅમ્પીડ શનિવારે રાતે થઈ હતી, જ્યારે હૅલોવીનની ઉજવણી માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો હૅમિલ્ટન હોટેલ પાસે સાંકડી ગલીમાં ભેગા થયા હતા.
મોટા ભાગના મરનારાઓની ઉંમર ૨૦ વર્ષની આસપાસ હતી. અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી હતી કે સમગ્ર દિવસ દરમ્યાન મરનારાઓની સંખ્યા સતત વધતી રહેશે, કેમ કે અનેક જણની હાલત ગંભીર છે. અધિકારીઓએ આ દુર્ઘટનામાં ડ્રગ્સના સેવનની શક્યતાને ફગાવી દીધી છે.

આ દુર્ઘટનાનું એ કારણ બહાર આવ્યું છે કે રાજધાનીના પૉપ્યુલર ઇટાવોન જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો એ એરિયાની સાંકડી અને વાંકીચૂંકી ગલીમાં હતા. કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ચાર મીટર પહોળી ગલીમાં એક લાખ કરતાં વધુ લોકો હતા.

ભાગદોડ થતાં લોકોની હાલત ખરાબ થવા માંડી હતી. એ દરમ્યાન અનેક લોકોએ ગૂંગળામણ અને કાર્ડિઍક અરેસ્ટની પણ ફરિયાદ કરી હતી. ભીડને કારણે ઍમ્બ્યુલન્સ પીડિતો પાસે નહોતી પહોંચી શકી. એ દરમ્યાન પોલીસે કારની છત પર ઊભા રહીને લોકોને ત્યાંથી ચાલ્યા જવા જણાવ્યું હતું, જેથી ઍમ્બ્યુલન્સ આગળ જઈ શકે. ભાગદોડ મચ્યા બાદ પણ અનેક લોકો મોજમજા કરતા જોવા મળ્યા હતા. આવા લોકોને કારણે રેસ્ક્યુ ઑપરેશનમાં અવરોધ ઊભો થયો હતો. ભીડ અને સાંકડી ગલીને કારણે ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે નહોતી પહોંચી શકી તો મેડિકલ ટીમે ઘટનાસ્થળે જ પીડિતોને સીપીઆર આપ્યું હતું.

અધિકારીઓએ કન્ફર્મ કર્યું હતું કે મરનારાઓમાં ૧૯ ફૉરેનર્સનો પણ સમાવેશ છે, જેમાં ઈરાન, ઉઝબેકિસ્તાન, ચીન અને નૉર્વેના નાગરિકોનો સમાવેશ છે.

પ્રેસિડન્ટ યુન સુક-યેઓલે કહ્યું હતું કે પબ્લિક ઍડ્મિનિસ્ટ્રેશન અને સિક્યૉરિટી પ્રધાનના નેતૃત્વમાં તમામ સંબંધિત મંત્રાલયો અને એજન્સીઓએ પીડિતોને સહાય પહોંચાડવા માટે શક્ય તમામ પગલાં લેવાં જોઈએ. સાઉથ કોરિયાએ કોરોનાનાં નિયંત્રણ હટાવી લીધા બાદ ત્રણ વર્ષમાં સોલમાં હૅલોવીનની આ પહેલી ઉજવણી હતી. મોટા ભાગના લોકો હૅલોવીન કૉશ્ચ્યુમ્સ પહેરીને સ્ટ્રીટ્સમાં ઊભા હતા.

848
ઇમર્જન્સી સર્વિસિસના આટલા જવાનો રેસ્ક્યુ ઑપરેશનમાં સામેલ હતા.

142
આટલી ઍમ્બ્યુલન્સ તહેનાત કરવામાં આવી હતી.

355
આ દુર્ઘટના બાદ આટલી વ્યક્તિઓ મિસિંગ હોવાની ફરિયાદ આવી હતી.

international news south korea