‘કદાચ મારો દીકરો મૃત્યુ પામ્યો હશે...’

31 October, 2022 10:00 AM IST  |  Seoul | Gujarati Mid-day Correspondent

હૉસ્પિટલની બહાર ચિંતાતુર અને ચોધાર આંસુએ રડતી માતાએ આમ જણાવ્યું

ઇટાવોન સ્ટેશન પાસે દુર્ઘટના બાદ એરિયાને કૉર્ડન કરી રહેલી પોલીસ

 સોલમાં દુર્ઘટનાને કારણે દિલ્હીમાં રિપબ્લિક ઑફ કોરિયાની એમ્બેસીએ એના રાષ્ટ્રીય ધ્વજને અડધી કાઠીએ ફરકાવ્યો હતો

સાઉથ કોરિયાની રાજધાની સોલમાં દુર્ઘટના બાદ અનેક પેરન્ટ્સે હૉસ્પિટલની બહાર આખી રાત અત્યંત ચિંતામાં વિતાવી છે. ઇટાવોનથી માત્ર એક હજાર મીટરના અંતરે આવેલી સૂનચુનહયાંગ યુનિવર્સિટી હૉસ્પિટલની બહાર પેરન્ટ્સ તેમનાં સંતાનોના સમાચાર માટે ઊભા રહ્યા હતા. મૃત્યુ પામેલાઓને લઈ જવા માટે ખૂબ મોટી સંખ્યામાં ઍમ્બ્યુલન્સ આવી હતી.

અડધાથી વધુ મૃતદેહને આ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આખરે અહીં જગ્યા ન રહેતાં ઈજાગ્રસ્તોને અન્ય હૉસ્પિટલમાં લઈ જવાયા હતા.

પેરન્ટ્સની આંખમાં આંસુ સુકાતાં નહોતાં. તેઓ એક પછી એક ઍમ્બ્યુલન્સમાં લવાતા મૃતદેહો અને ઈજાગ્રસ્તોને જોતા રહેતા હતા. એક દીકરાની મમ્મીએ કહ્યું કે ‘કદાચ મારો દીકરો મૃત્યુ પામ્યો હશે.’ આટલું કહીને તે ચોધાર આંસુએ રડી પડી હતી. આ માતાએ કહ્યું કે ‘મેં છેલ્લે રાતે પોણાઆઠ વાગ્યે દીકરા સાથે વાતચીત કરી હતી. આ ભાગદોડના સમાચાર મળતાં મારા હૃદયના ધબકારા વધી ગયા હતા. મારો દીકરો કૉલનો જવાબ પણ નહોતો આપતો. હું પોલીસ પાસે ગઈ અને ખૂબ કરગરી ત્યારે ખબર પડી કે મારા દીકરાનું છેલ્લું ફોન-લોકેશન ઇટાવોનમાં હતું.’  

આ મહિલા જ્યારે ઇટાવોન પહોંચી ત્યારે ખબર પડી કે ત્યાં અનેક ખોવાયેલા ફોન હતા. એ પછી આ મહિલાને નજીકની હૉસ્પિટલમાં તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતું. એ મહિલાએ કહ્યું કે ‘૧૫૧ લોકો મરી ગયા. ઘણા બધા, કદાચ મારો દીકરો મૃત્યુ પામ્યો હશે. મને ખબર નથી. હું તેના સુધી પહોંચી શકતી નથી.’

એક વૃદ્ધ કપલ તેમની પૌત્રીને શોધવા હૉસ્પિટલ પાસે આવ્યું હતું. તેઓ ઍમ્બ્યુલન્સની નજીક જઈ રહ્યાં હતાં ત્યારે પોલીસે તેમને અટકાવ્યાં હતાં.

ઇટાવોન સ્ટેશન પાસે દુર્ઘટના બાદ એરિયાને કૉર્ડન કરી રહેલી પોલીસ

સોલમાં પ્રિયજનોને ગુમાવનારા પરિવાર પ્રત્યે અમારી ઊંડી સંવેદના. અમે રિપબ્લિક ઑફ કોરિયાના લોકોની સાથે અત્યંત વેદના વ્યક્ત કરીએ છીએ અને તમામ ઈજાગ્રસ્તો ઝડપથી રિકવર થાય એવી પ્રાર્થના કરીએ છીએ. આ કરુણ સમયે અમેરિકા રિપબ્લિક ઑફ કોરિયાના પડખે છે. - જો બાઇડન, અમેરિકન પ્રેસિડન્ટ

સોલમાં ભાગદોડ અને ધક્કામુક્કીને કારણે અનેક યુવાનોનાં મૃત્યુથી અત્યંત આઘાત અનુભવું છું. પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવાર પ્રત્યે અમારી સંવેદના. અમે આ મુશ્કેલ સમયમાં રિપબ્લિક ઑફ કોરિયાના પડખે છીએ. - એસ. જયશંકર, વિદેશપ્રધાન

સોલમાં જીવલેણ ​સ્ટૅમ્પીડને પગલે કૅનેડિયનો વતી હું સાઉથ કોરિયાના લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સંપૂર્ણપણે અને ઝડપથી રિકવર થઈ જાય એવી પ્રાર્થના. - જસ્ટિન ટ્રુડો, કૅનેડાના વડા પ્રધાન

સોલથી દુખદ ન્યુઝ મળ્યા. આ અત્યંત પીડાદાયક સમયમાં ઈજાગ્રસ્તો અને સાઉથ કોરિયાના તમામ લોકો પ્રત્યે સંવેદના. - રિશી સુનક, યુકેના વડા પ્રધાન

international news south korea