વર્લ્ડની ટૉપ-૨૦ પાવરફુલ હસ્તીમાં સોનિયા ગાંધી ને મનમોહન સિંહ

07 December, 2012 04:56 AM IST  | 

વર્લ્ડની ટૉપ-૨૦ પાવરફુલ હસ્તીમાં સોનિયા ગાંધી ને મનમોહન સિંહ




પ્રતિષ્ઠિત ફૉર્બ્સ મૅગેઝિને તૈયાર કરેલી વિશ્વની સૌથી પાવરફુલ હસ્તીઓમાં કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી અને વડા પ્રધાન મનમોહન સિંહને ટૉપ-૨૦માં સામેલ કરવામાં આવ્યા છે. દર વર્ષે બહાર પાડવામાં આવતી આ યાદીમાં અમેરિકાના ૫૧ વર્ષના પ્રમુખ બરાક ઓબામા સતત બીજા વર્ષે નંબર વન છે. યાદીમાં ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણી અને સ્ટીલ કંપની આર્સેલર મિત્તલના સીઈઓ લક્ષ્મી મિત્તલ પણ સામેલ છે.

વિશ્વની સૌથી શક્તિશાળી વ્યક્તિઓની યાદીમાં રાષ્ટ્રનેતાઓ, ઉદ્યોગપતિઓ અને મોટી કંપનીઓના સીઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લિસ્ટમાં ઓબામા પછી બીજા ક્રમે જર્મનીના ૫૮ વર્ષના ચાન્સેલર ઍન્જેલા મર્કેલ છે. મૅગેઝિને મર્કેલને ૨૭ સભ્ય દેશો ધરાવતા યુરોપિયન યુનિયનની કરોડરજ્જુ સમાન ગણાવ્યા હતા. મૅગેઝિનના મતે મર્કેલ એક એવી હસ્તી છે જેમના ખભે યુરોપનું ભાવિ નક્કી કરવાની જવાબદારી છે. યાદીમાં ત્રીજા નંબરે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન, ચોથા ક્રમે માઇક્રોસૉફ્ટના સ્થાપક બિલ ગેટ્સ અને પાંચમા ક્રમે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી શી જિનપિંગ છે. 

મૅગેઝિનના જણાવ્યા પ્રમાણે આ વર્ષની યાદીમાં સોનિયા ગાંધીને એક સ્ટેપ નીચે ઉતારીને ૧૨મા ક્રમે સ્થાન આપવામાં આવ્યું છે. યાદીમાં ૧૧મા ક્રમે ચીનના નાયબ વડા પ્રધાન લી કીઆંગ છે. મૅગેઝિને એવું પણ ઉમેર્યું છે સોનિયા ગાંધીનો પુત્ર રાહુલ ગાંધી હવે ટૂંક સમયમાં તેમનું સ્થાન લેશે એવી પ્રબળ શક્યતા છે. યાદીમાં વડા પ્રધાન મનમોહન સિંહ ૨૦મા ક્રમે છે. ફૉર્બ્સ મૅગેઝિને મનમોહન સિંહને ભારતના આર્થિક સુધારાના આર્કિટેક્ટ ગણાવ્યા છે. વિશ્વના સૌથી મોંઘા મકાનમાં રહેતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને યાદીમાં ૩૭મા ક્રમે સ્થાન આપવામાં આવ્યું છે જ્યારે લક્ષ્મી મિત્તલ ૪૭મા ક્રમે છે.

વર્લ્ડની ટૉપ-૫ પાવરફુલ હસ્તી

બરાક ઓબામા, અમેરિકાના પ્રમુખ

ઍન્જેલા મર્કેલ,
જર્મનીના ચાન્સેલર

વ્લાદિમીર પુતિન, રશિયાના પ્રમુખ

બિલ ગેટ્સ,
માઇક્રોસૉફ્ટના સ્થાપક

શી જિનપિંગ,
ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી

લિસ્ટમાં બીજું કોણ છે?

ફૉર્બ્સની સૌથી પાવરફુલ હસ્તીઓના લિસ્ટમાં ફેસબુકના સહ-સ્થાપક માર્ક ઝુકરબર્ગ (૨૫મા ક્રમે), ઇરાનના સર્વોચ્ચ નેતા અલી ખમૈની (૨૧મા ક્રમે), ઍપલના સીઇઓ ટીમ કૂક (૩૫મા ક્રમે), સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી બાન કી-મૂન (૩૦મા ક્રમે), નૉર્થ કોરિયાના વડા કિમ જોંગ-ઉન (૪૪મા ક્રમે), અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન (૫૦મા ક્રમે) અને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇના વડા ઝહીર ઉલ-ઇસ્લામ (૫૨મા ક્રમે) પણ સામેલ છે.

સીઇઓ = ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર, આઇએસઆઇ = ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ