નો સૉરી, ગાંજાને ફૂંકવાથી કોરોનાથી પ્રોટેક્ટ નહીં થવાય

14 January, 2022 10:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાયન્ટિફિક પેપર્સ સામાન્ય રીતે વાઇરલ થતાં નથી, પરંતુ તાજેતરમાં અમેરિકામાં ઑરેગોન સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોની એક ટીમે એક સ્ટડી કર્યો હતો જેમાં વાઇરલ થવા માટેની ગાંજા અને કોરોનાની મૅજિક ફૉર્મ્યુલા હતી.

પ્રતીકાત્મક તસવીર

વૉશિંગ્ટન ઃ સાયન્ટિફિક પેપર્સ સામાન્ય રીતે વાઇરલ થતાં નથી, પરંતુ તાજેતરમાં અમેરિકામાં ઑરેગોન સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોની એક ટીમે એક સ્ટડી કર્યો હતો જેમાં વાઇરલ થવા માટેની ગાંજા અને કોરોનાની મૅજિક ફૉર્મ્યુલા હતી.
જર્નલ ઑફ નૅચરલ પ્રોડક્ટ્સમાં પબ્લિશ કરવામાં આવેલા આ રિસર્ચ અનુસાર હેમ્પ પ્લાન્ટમાં જોવા મળતા બે કમ્પાઉન્ડ્સ - ખાસ કરીને ઍસિડ્સ કે જે ગરમ કર્યા બાદ જ સક્રિય કેનાબિનોઇડ્સ બને છે એ માનવ શરીરના કોષોમાં કોરોના વાઇરસના પ્રવેશને અટકાવે છે.
જેનો અર્થ એ કાઢવામાં આવ્યો કે ગાંજામાંથી કાઢવામાં આવેલાં અમુક તત્ત્વો યોગ્ય પ્રમાણમાં આપવામાં આવે તો એનાથી કોરોના સામે લડવામાં લોકોને મદદ મળી શકે. આ બાબત અનેક લોકોને રોમાંચક જણાઈ હતી.
જોકે આ સંશોધકોએ સ્પષ્ટ કર્યું છે કે આ સંશોધનના તારણનો એવો અર્થ નથી થતો કે ગાંજો ફૂંકવાથી કોરોના સામે લડવામાં મદદ મળશે કે પછી ગાંજો કોરોનાને રોકી દે છે. મૂળ વાત એ છે કે કેનાબિનોઇડ્સ અને કેનાબિનોઇડ્સ ઍસિડની વચ્ચે ફરક રહેલો છે.
ઑરેગોન સ્ટેટના મેડિસિનલ કેમિસ્ટ્રીના પ્રોફેસર રિચર્ડ વેન બ્રીમેને સમજાવ્યું હતું કે આ સંશોધકો સમજાવવા માગતા હતા કે કઈ કુદરતી વસ્તુઓથી માણસ આ વાઇરસ સામે લડી શકે છે. 
તેમણે શોધ્યું છે કે હેમ્પ પ્લાન્ટમાં ત્રણ કમ્પાઉન્ડ્સમાં સ્પાઇક પ્રોટીનની સાથે જોડાઈ જવાની ખૂબ જ ક્ષમતા છે. સ્પાઇક પ્રોટીન જ કોરોના વાઇરસને માનવીય કોષોમાં સરળતાથી પ્રવેશવા દે છે જેનાથી કોરોના ઝડપથી ફેલાય છે. હેમ્પ પ્લાન્ટ્સના કમ્પાઉન્ડ્સથી કોરોના સામે લડી શકાય છે.

world news coronavirus