દુનિયાભરના સિખો સ્તબ્ધ : છનાં મોત, ૩૦થી વધુ ઘાયલ

07 August, 2012 05:34 AM IST  | 

દુનિયાભરના સિખો સ્તબ્ધ : છનાં મોત, ૩૦થી વધુ ઘાયલ

અમેરિકાના વિસ્કોન્સિન સ્ટેટના ઑક ક્રિક શહેરમાં આવેલા ગુરુદ્વારામાં રવિવારે થયેલા હુમલાની ઘટના બાદ દુનિયાભરના સિખો સ્તબ્ધ થઈ ગયા છે. આ હુમલામાં કુલ છ લોકોનાં મોત થયાં હતાં. અમેરિકી પોલીસે બાદમાં ૪૦ વર્ષના હુમલાખોરને પણ ઠાર કર્યો હતો. ગઈ કાલે આ હુમલાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. ૪૦ વર્ષના બંદૂકધારીએ ગુરુદ્વારામાં ઘૂસીને ફાયરિંગ શરૂ કર્યું ત્યારે ગુરુદ્વારાના ૬૫ વર્ષના પ્રમુખ સતવંત કાલેકાએ જીવ બચાવીને ભાગવાને બદલે હુમલાખોરને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ગોળીઓનો શિકાર બનતાં ગુરુદ્વારામાં જ તેઓ મૃત્યુ પામ્યા હતા.

હુમલાખોર એક્સ-આર્મીમૅન  

ગુરુદ્વારા પર અટૅક કરનાર હુમલાખોરની ઓળખને લઈને અમેરિકી તપાસસંસ્થા એફબીઆઇ મૌન સેવી રહી છે. જોકે અમેરિકી અખબારોના અહેવાલ મુજબ તે અમેરિકી સૈન્યનો ભૂતપૂર્વ જવાન હતો અને તેની ઉંમર ૪૦ વર્ષની આસપાસ હતી. તેણે ટી-શર્ટ તથા અનેક પૉકેટ ધરાવતું કાર્ગો પૅન્ટ પહેરેલું હતું. એટલું જ નહીં, તેના હાથ પર ૯/૧૧ના હુમલાને લગતું ટૅટુ ચીતરેલું હતું. ગુરુદ્વારામાં ગોળીબારને પગલે ધસી આવેલી પોલીસે બાદમાં તેને ઠાર કર્યો હતો. આ ઘટના બાદ પોલીસે તેના અપાર્ટમેન્ટમાં સર્ચ-ઓપરેશન હાથ ધર્યું હતું.

એફબીઆઇએ શરૂ કરી તપાસ

આ સમગ્ર ઘટના કોઈ આતંકવાદી કૃત્ય છે કે નહીં એની એફબીઆઇએ તપાસ શરૂ કરી છે. અમેરિકી મિડિયાના અહેવાલ મુજબ આ હુમલો વાઇટ સુપ્રીમિસ્ટ કે સ્કિનહેડ નામના ગ્રુપનું કારસ્તાન હોઈ શકે છે. રંગભેદમાં માનતા આ બન્ને ગ્રુપ અવારનવાર એશિયન મૂળના લોકો પર અટૅક કરવા માટે કુખ્યાત છે. રવિવારે થયેલા હુમલામાં કુલ છ લોકોએ જીવ ગુમાવ્યો હતો, જેમાં ગુરુદ્વારાના પ્રમખ સતવંતસિંહ કાલેકા ઉપરાંત ગુરુદ્વારાના પૂજારી પ્રકાશ સિંહનો પણ સમાવેશ છે. આ ઉપરાંત વ્યવસાયે ડેન્ટિસ્ટ મનમીન્દર સિંહ સેઠીનું પણ હુમલામાં મૃત્યુ થયું હતું.

દુનિયાભરના સિખોમાં આક્રોશ

અમેરિકામાં સિખ સમુદાય પરના અત્યાર સુધીના સૌથી મોટા હુમલાથી ભારત સહિત દુનિયાભરના સિખોમાં આક્રોશ ફેલાયો હતો. વડા પ્રધાન મનમોહન સિંહે આ ઘટના બદલ આઘાતની લાગણી કરી હતી. પંજાબમાં ઠેર-ઠેર સિખોએ હુમલાનો વિરોધ કરતા દેખાવો કર્યા હતા. અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને સિખ સમુદાયને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી હતી. અમેરિકાસ્થિત ભારતીય રાજદૂત નિરુપમા રાવે જણાવ્યું હતું કે આ ઘટનાની સંપૂર્ણ તપાસ થશે એવી હૈયાધારણ અમેરિકી સરકાર દ્વારા આપવામાં આવી છે.

 

એફબીઆઇ = ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન