ડોનાલ્ડ ટ્રમ્પની કોન્ફરન્સ દરમ્યાન વ્હાઈટ હાઉસની બહાર ફાયરિંગ

11 August, 2020 11:14 AM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

ડોનાલ્ડ ટ્રમ્પની કોન્ફરન્સ દરમ્યાન વ્હાઈટ હાઉસની બહાર ફાયરિંગ

ફાઈલ તસવીર

સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વ્હાઈટ હાઉસની બહાર ગોળીબારની ઘટનાથી અફરા તફરી મચી ગઈ હતી. ત્યારપછી રાષ્ટ્રપતિની સુરક્ષામાં તહેનાત સિક્રેટ સર્વિસ ગાર્ડ્સે ટ્રમ્પને પોડિયમથી હટાવી દીધા હતા. પ્રેસ કોન્ફરન્સ રોકવી પડી હતી અને વ્હાઈટ હાઉસની ચારેય બાજુ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. પત્રકારો પણ વ્હાઈટ હાઉસમાં જ કેદ થઈ ગયા હતા. ટ્રમ્પ વ્હાઇટ હાઉસની લૉનમાં પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા જ્યારે આ સમગ્ર ઘટના બની. જોકે થોડીવાર બાદ ટ્રમ્પ પરત આવ્યા અને તેઓએ જણાવ્યું કે વ્હાઇટ હાઉસની બહાર કોઈ શૂટઆઉટ થયું છે. જેના કારણે સુરક્ષાને ધ્યાને લઈ આવું કરવામાં આવ્યું હતું.

વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ જણાવ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ભવનની બહાર એક બંદૂકધારી શખ્સે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ત્યારબાદ તેને ઠાર મારવામાં આવ્યો. સુરક્ષા પ્રોટોકોલ હેઠળ આ દરમિયાન ટ્રમ્પને પ્રેસ કોન્ફરન્સની વચ્ચેથી લઈ જવા પડ્યા હતાં. લગભગ દસ મિનિટ પછી ટ્રમ્પ કોન્ફરન્સમાં પાછા આવ્યા હતાં અને તેમણે કહ્યું હતું કે, વ્હાઈટ હાઉસની બહાર કોઈ અજાણી વ્યક્તિને ગોળી મારવામાં આવી છે. જેને ગોળી વાગી છે તેની પાસે પણ હથિયાર હતા. એટલા માટે આવું કરવામાં આવ્યું હતું. હજુ સુધી એ નથી જાણવા મળ્યું કે બંદૂકધારી શખ્સ વ્હાઇટ હાઉસમાં કયા ઈરાદાથી ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. શક્ય છે કે, આ સમગ્ર ઘટના સાથે મારે કંઈ લેવા-દેવા ન પણ હોય પરંતુ સુરક્ષા પ્રોટોકોલ હેઠળ આવું કરવું પડ્યું છે. ઘટના વ્હાઈટ હાઉસની બહાર થઈ છે. સુરક્ષામાં ખામી જેવી કોઈ વાત નથી.

દરમિયાન આ સમગ્ર ઘટના બાબતે સિક્રેટ સર્વિસે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, કોઈ શંકાસ્પદ વ્યક્તિએ તેમના ઓફિસરને ગોળી મારી છે. તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે સિક્રેટ સર્વિસના વખાણ કરતાં કહ્યું છે કે, હું મારી જાતને બહુ સુરક્ષિત અનુભવુ છું.

united states of america donald trump white house