શમીમા બેગમની અજીબ દાસ્તાનઃ આતંકવાદીને પરણી, હવે રેફ્યુજી કેમ્પમાં રહે છે, બ્રિટન પાછા ફરવું છે

23 November, 2021 04:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (Islamic State - IS) સાથે જોડાઇને હવે પસ્તાઇ રહી છે મૂળ બાંગ્લાદેશી (Bangladesh) બ્રિટીશ યુવતી શમીમા બેગમ (Shamima Begum)ને. તેણે ભૂતકાળમાં પણ વિધાન કર્યા છે કે તે આઇએસની પોસ્ટર ગર્લ નથી

પ્રતીકાત્મક તસવીર

આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (Islamic State - IS) સાથે જોડાઇને હવે પસ્તાઇ રહી છે મૂળ બાંગ્લાદેશી (Bangladesh) બ્રિટીશ યુવતી શમીમા બેગમ (Shamima Begum)ને. તેણે ભૂતકાળમાં પણ વિધાન કર્યા છે કે તે આઇએસની પોસ્ટર ગર્લ નથી પણ હવે કાયદાકિય કારણોથી તે બાંગ્લાદેશ પાછી ફરી શકે તેમ નથી. હાલમાં સિરીયાના રેફ્યુજી કેમ્પમાં રહેતી શમીમાએ બ્રિટનની બોરિસ જોનસન સરકારને (Boris Johnson) (U K Government) પોતાને બ્રિટન પાછા ફરવા દેવાની વિનંતી કરી છે. તેણે એમ પણ કહ્યું છે કે બ્રિટનની સરકાર ચાહે તો તેની પર કેસ ચલાવી શકે છે પણ તેને ત્યાં પાછા ફરવાની પરવાનગી આપે. બ્રિટનની સરકારે તેને તેનું બ્રિટીશ નાગરિકત્વ પાછું આપવાની સાફ મનાઇ કરી દીધી છે. શમીમાએ કબુલ્યું છે કે કોઇને પણ જાણ કર્યા વિના સિરિયા ચાલ્યા જવું તેની સૌથી મોટી ભૂલ હતી. 

બ્રિટન સરકાર સ્પષ્ટ કરી ચૂકી છે કે શમીમા બ્રિટનમાં પાછી ફરી શકે તેવી કોઇ પણ શક્યતાઓ નથી. તે સતત બ્રિટન સરકાર સમક્ષ વિનંતી કરી રહી છે કે તેને દેશમાં પરત ફરવા મંજૂરી આપવામાં આવે. તે કોઇપણ પ્રકારની સજા પણ ફટકારાય તો સ્વીકારવા તૈયાર છે. શમીમાએ ગયા રવિવારે સ્કાય ન્યૂઝને એક મુલાકાત આપી હતી. આ મુલાકાતમાં જ તેણે અનેક સવાલોના જવાબ આપતાં આપતાં ફરી એકવાર બ્રિટનની સરકારને પોતાનો દેશ પાછા ફરવા દેવા માટે પરવાનગી આપવા અરજ કરી હતી. 

તેણે આ મુલાકાતમાં પોતાની વિહ્વળતા અને લાચારી બતાડતા કહ્યું કે પોતે હવે ક્યાંયની રહી નથી અને 15 વર્ષની વયે તે બ્રિટન છોડીને ગઇ ત્યારે નાદાન હતી અને મિત્રોની વાતોમાં આવી ગઇ હતી. તેણે આઇએસને આપેલી ઓનલાઇન મુલાકાતોની વાત કરીને તેણે એમ પણ કહ્યું કે પોતે આખી જિંદગી જેલમાં ગાળવા તૈયાર છે પણ તે કોઇપણ ભોગે બ્રિટન પાછી આવવા માંગે છે. તે કહે છે કે તેની એક માત્ર ભૂલ એ છે કે તે પોતે સિરિયા ગઇ અને આઇએસના આતંકીને પરણી ગઇ. તેણે એમ પણ વારંવાર કહ્યું કે તે પોતે ક્યારેય પણ કોઇ આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ નથી થઇ. બ્રિટનની નાગરિકતા ન હોવાથી હવે તે પોતે ક્યાંયની નથી રહી. 

શમીમા 2015માં આઇએસમાં જોડાવા ગઇ, ત્યારે તેની સાથે બીજી બે છોકરીઓ પણ હતી જેમના કોઇ સમાચાર નથી. શમીમા 2019માં સિરિયાના રેફ્યુજી કેમ્પમાં મળી ત્યારે તે પ્રેગનન્ટ હતી. તેનું બાળક જન્મ્યું તો ખરું પણ ન્યૂમોનિયામાં તે મૃત્યુ પામ્યું. આ પહેલાં પણ તેનાં બે નવજાત બાળકોનાં મોત થયાં છે. શમીમા આત્મઘાતી હુમલાખોરો માટે જેકેટ બનાવવામાં એક્સપર્ટ ગણાતી પણ તે આવી કોઇ બાબતનો સ્વીકાર નથી કરતી. 

 

 

international news terror attack syria united kingdom bangladesh