કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને UNની જોરદાર લપડાક

14 October, 2014 08:53 AM IST  | 

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને UNની જોરદાર લપડાક






કાશ્મીરને મામલે યુનાઇટેડ નેશન્સના હસ્તક્ષેપના પાકિસ્તાનના તાજા પ્રયાસો પર પાણી ફરી વળ્યું છે. યુનાઇટેડ નેશન્સે આ મુદ્દે પાકિસ્તાનને કોઈ પ્રતિસાદ નથી આપ્યો એટલું જ નહીં, પણ ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત અને પાકિસ્તાને સાથે મળીને મંત્રણા દ્વારા આ વવિાદનો લાંબા ગાળાનો ઉકેલ શોધી કાઢવો જોઈએ.

પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફના રાષ્ટ્રીય સલામતી અને વિદેશ બાબતો વિશેના સલાહકાર સરતાજ અઝીઝે અંકુશરેખા પરની તંગદિલી બાબતે યુનાઇટેડ નેશન્સના મહાસચવિ બાન કી મૂનને તાજેતરમાં એક પત્ર લખીને યુનાઇટેડ નેશન્સના હસ્તક્ષેપની માગણી કરી હતી.

આ પત્ર બાબતે ટિપ્પણી કરવાનું જણાવવામાં આવતાં બાન કી મૂનના નાયબ પ્રવક્તા ફરહાન હકે સોમવારે પત્રકારોને જણાવ્યું હતું કે ‘મહાસચવિ ભારત અને પાકિસ્તાન વચ્ચેની અંકુશરેખા પર તાજેતરમાં વધેલી તંગદિલીથી ચિંતિત છે. કાશ્મીરમાં શાંતિ તથા સ્થિરતા માટે બન્ને દેશો મંત્રણા વડે લાંબા ગાળાનો ઉકેલ શોધી કાઢે એ વિકલ્પની મહાસચવિ તરફેણ કરે છે.’

યુનાઇટેડ નેશન્સના કાશ્મીર વિશેના વલણને આવકારતાં BJPએ ગઈ કાલે જણાવ્યું હતું કે આ નરેન્દ્ર મોદી સરકાર માટે રાજદ્વારી વિજય છે.

BJPના નેતા પ્રોફેસર હરિઓમે જમ્મુમાં જણાવ્યું હતું કે યુનાઇટેડ નેશન્સનું વલણ સૈયદ અલી શાહ ગિલાની, મીરવાઇઝ ઉમર ફારુક અને યાસીન મલિક સહિતના કાશ્મીરી અલગતાવાદી માટે મોટો ડિંગો દેખાડવા સમાન છે.

આતંકવાદના ઓછાયામાં મંત્રણા નહીં : ભારત

સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતે પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આતંકવાદનો ઓછાયો ન હોય ત્યારે જ ઇસ્લામાબાદ સાથે ગંભીર દ્વિપક્ષી મંત્રણા થઈ શકશે. સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ ઍસેમ્બલીની શુક્રવારે યોજાયેલી બેઠકમાં ભારતે પોતાનું આ વલણ રજૂ કર્યું હતું.

પાકિસ્તાનના પ્રતિનિધિએ આ બેઠકમાં કરેલી દલીલોને ફગાવી દેતાં યુનાઇટેડ નેશન્સમાંના ભારતીય મિશનના ફસ્ર્ટ સેક્રેટરી અભિષેક સિંહે જણાવ્યું હતું કે નવી દિલ્હી ઇસ્લામાબાદ સાથે શાંતિમય વાતાવરણમાં જ ગંભીર દ્વિપક્ષી મંત્રણા કરવા તૈયાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વાત યુનાઇટેડ નેશન્સમાં જણાવી ચૂક્યા છે.

બન્ને દેશના લશ્કરી અધિકારીઓ વચ્ચે વાતચીત

અંકુશરેખા પર તાજેતરમાં સર્જાયેલી તંગદિલી ઘટાડવા માટે ભારત અને પાકિસ્તાનના સિનિયર લશ્કરી અધિકારીઓએ ગઈ કાલે હૉટલાઇન પર વાતચીત કરી હોવાનું એક પાકિસ્તાની લશ્કરી અધિકારીએ જણાવ્યું હતું. પાકિસ્તાનના મિલિટરી ઑપરેશન્સના ડિરેક્ટરે તેમના ભારતીય સમોવડિયા સાથે સિનિયર મિલિટરી લેવલ પર રૂટીન ઇન્ટરઍક્શનના ભાગરૂપે આ વાતચીત કરી હતી.

બીજી તરફ પાકિસ્તાની દળોએ જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં અંકુશરેખા પર બે વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાનના જોરદાર ફાયરિંગ અને ર્મોટારમારાનો બરાબરનો જવાબ ભારતીય દળોએ આપ્યો હતો.