22 January, 2026 10:43 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે સ્વીકાર્યું હતું કે વેનેઝુએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરોને પકડવા માટે હાથ ધરવામાં આવેલા ઑપરેશનમાં અમેરિકન સેનાએ ‘ગુપ્ત સોનિક’ હથિયારનો ઉપયોગ કર્યો હતો. આ ચોક્કસ તરંગોવાળા સાઉન્ડથી ઑપરેટ થાય છે. તેમણે એવી બડાઈ પણ મારી હતી કે અમેરિકા પાસે જે હથિયારો છે એ વિશ્વમાં બીજા કોઈ પાસે નથી. તેમણે અમેરિકાના સૈન્યની તાકાતનો પણ બચાવ કર્યો હતો.
વાઇટ હાઉસનાં પ્રેસ-સેક્રેટરી કૅરોલિન લિવિટે દાવો કર્યો હતો કે વેનેઝુએલા ઑપરેશનમાં ઉપયોગમાં લેવાયેલાં ઉપકરણોથી વેનેઝુએલાના સૈનિકોના નાકમાંથી લોહી નીકળ્યું હતું અને લોહીની ઊલટી થઈ હતી. ત્યારથી જ સાઉન્ડનો હથિયાર તરીકે ઉપયોગ થવાની અફવાઓ ફેલાઈ છે.
એક ટીવી-ચૅનલને આપેલી મુલાકાતમાં ‘કેટી પાવલિચ ટુનાઇટ’ના એક એપિસોડમાં હથિયાર વિશે વિગતો આપવાની વાત આવી ત્યારે ટ્રમ્પ અસામાન્ય રીતે શરમાળ રહ્યા હતા. પાવલિચે ટ્રમ્પને પૂછ્યું હતું કે શું અમેરિકનોએ શસ્ત્રની શક્તિ વિશે ચિંતા કરવી જોઈએ અને પ્રેસિડન્ટે ભમર ઊંચી કરીને હકારમાં જવાબ આપ્યો હતો.
આ મુદ્દે ટ્રમ્પે કહ્યું હતું કે ‘આ એવી વસ્તુ છે જે હું નથી ઇચ્છતો કે બીજા કોઈ પાસે હોય, પરંતુ આપણી પાસે એવાં શસ્ત્રો છે જેમના વિશે કોઈને ખબર નથી અને હું કહું છું કે એના વિશે વાત ન કરવી એ કદાચ સારું છે, પરંતુ આપણી પાસે કેટલાંક અદ્ભુત શસ્ત્રો છે. એ એક અદ્ભુત હુમલો હતો. ભૂલશો નહીં કે એ ઘર કિલ્લાની વચ્ચે હતું. અમેરિકન સૈનિકોએ હુમલો કર્યો અને માદુરોની ધરપકડ કરી હતી. આપણે એક પણ સૈનિક ગુમાવ્યો નહોતો.’