જ્યારે સલિલ ત્રિપાઠીનું ટ્વિટર એકાઉન્ટ એક કવિતાને કારણે થયું સસ્પેન્ડ

07 December, 2020 10:34 PM IST  |  Mumbai | Chirantana Bhatt

જ્યારે સલિલ ત્રિપાઠીનું ટ્વિટર એકાઉન્ટ એક કવિતાને કારણે થયું સસ્પેન્ડ

સલિલ ત્રિપાઠી

જાણીતા પત્રકાર અને માનવ અધિકારના કર્મશીલ સલિલ ત્રિપાઠીનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરાયું છે કારણકે તેમણે બાબરી મસ્જિદના ધ્વંસ, ગુજરાત અને 1947ની પૃષ્ઠભૂમિના આધારે લખેલી એક અત્યંત લાગણીસભર કવિતાનો વીડિયો ટ્ટિટર પર પોસ્ટ કર્યો હતો. આ કવિતામાં 6 ડિસેમ્બર 1992માં થયેલા બાબરી ધ્વસંની વાત હતી અને 6 ડિસેમ્બરને પગલે સલિલ ત્રિપાઠીએ આ કવિતા પઠન કરતો વીડિયો શૅર કર્યો. અનેક લેખકો, પત્રકારો, કર્મશીલ તમામે આ ટ્વિટરના એકાઉન્ટ સસ્પેન્ડ કરવાના પગલાંને આકરા શબ્દોમાં વખોડ્યું. આ તમામ પ્રતિક્રિયાઓ પહેલાં જાણીએ કે આખરે એ કવિતામાં એવું છે શું?
સલિલ ત્રિપાઠીની આ કવિતાનું ટાઇટલ છે 'માય મધર્સ ફૉલ્ટ', એટલે કે 'મારી માનો વાંક'. જે કવિતાને લઇને આટલો બધો ઉહાપોહ થયો તેનો અધિકૃત ગુજરાતી અનુવાદ કવિયેત્રી પ્રતિષ્ઠા પંડ્યા દ્વારા કરવામાં આવ્યો છે જે અહીં પ્રકાશિત કર્યો છે.

મારી માનો વાંક


તું જ નીકળી’તી
ઝંડો લઈને
સાત વરસની છોકરીઓ સાથે
સવાર સવારમાં
ગુજરાતની શેરીઓમાં
આઝાદીનાં ગીતો ગાતી
એમ માનીને કે
તું શરમાવશે અંગ્રેજોને
એ સૌ ચાલ્યા જશે

ગયાં, પાંચ વરસ પછી, એ ગયાં

તું હસેલી હળવું
મકબૂલ ફીદા હુસેને બનાવેલાં
હિંદુ દેવીઓનાં નગ્ન રેખાચિત્રો જોઈને.
અને હસેલી ખડખડાટ
જ્યારે મેં કહેલું કે
એ લોકો ભસ્મ કરવા માગે છે
એ રેખાચિત્રો
“આપણાં જૂનાં શિલ્પો જોયા છે
એ લોકોએ ?
આનાથી કંઈક ચડે એવા છે.”
તેં કહેલું.

તારો અવાજ તરડાયેલો હતો
ડિસેમ્બર ૬ ૧૯૯૨
તેં મને સિંગાપોરની
મારી ઓફિસમાં ફોન કરેલો
જ્યારે 
“એમણે બાપુને ફરી એકવાર માર્યા.”

ખરેખર મારેલા.

“આવું તે કરાય કોઈ દિવસ ?”
તેં પૂછેલું
હેબતાઈ ગયેલી તું
ટેલિવિઝન સામે તાકતી
અવાક
હિંદુઓનાં ટોળેટોળાં
ઘર-ઘર ફરી વળતાં
શોધતાં રહેંસી નાખવા
મુસલમાનોને
ગોધરાની ટ્રેનના એ ડબ્બામાં
બળી ગયા
૫૮ હિંદુઓ
ફેબ્રુઆરી ૨૦૦૨ પછી.

તું સાચી હતી
દર વખતે.

મારું લખ્યું બધું વાંચ્યા પછી
હવે કોઈ લોકો ફરિયાદ કરે છે

કહે છે
મને ગતાગમ નથી

પરદેશ રહ્યો છું
હું શું જાણું ઇન્ડિયા વિશે ?

પણ
હું તને જાણું છું
એટલું બસ છે

અને એટલે જ તો
હું આવો પાક્યો છું!


(આ કવિતા સૌથી પહેલાં સલિલ ત્રિપાઠીના પુસ્તક ઓફેન્સઃ ધી હિન્દુ કેસમાં 2009માં પ્રકાશિત થઇ હતી. આ પુસ્તક સિગલ બૂક્સ દ્વારા પ્રકાશિત કરાયું છે.)

આ કવિતામાં સલિલ ત્રિપાઠીએ બાબરી ધ્વંસના ભયંકરતા, 2002ના રમખાણો અને ગોધરા કાંડના ઝનૂન અને એમ એફ  હુસેનના ચિત્રોને લઇને આવેલી આકરી પ્રતિક્રિયાઓને સર્જનાત્મકતાથી ટાંકી છે. આ કવિતામાં કવિ પોતાની વિચારધારા અમૂક દિશામાં છે તેની પાછળનું સજ્જડ કારણ આપે છે કે જ્યારે માએ અમુક તમુક ઘટનાઓ અંગે પ્રતિભાવ આપ્યા હતા ત્યારે એક દીકરા તરીકે તે જ સમજણમાં ઘુંટાયા. નવાઇની વાત એ છે કે આ કવિતા નવી નથી, તે 2009માં પ્રકાશિત થઇ ચૂકી છે પણ આજે જ્યારે લોકો નાની અમસ્તી વાતમાં ય વાંક જોતા થયા છે કે લોકોની લાગણીઓ સાવ ક્ષુલ્લક વાતમાં ઘવાય છે ત્યારે આ કવિતાની સર્જનાત્મકતાનું મૂલ્ય ન થતા તેની કિંમત થઇ ગઇ જે ખરેખર પીડાદાયક છે. સલિલ ત્રિપાઠી ધી વૉલ સ્ટ્રીટ જનરલ, ધી ઇન્ટરનેશનલ હેરાલ્ડ ટ્રિબ્યુન, વોશિંગ્ટન પોસ્ટ, ધી ન્યૂ યોર્ક ટાઇમ્સ, ધી ન્યુ રિપબ્લિક, ધી ન્યૂ યોર્કર અને ધી સાન ફ્રાન્સિસ્કો ક્રોનિકલ્સ જેવા અનેક પબ્લિકેશન્સ માટે નિયમિત લખતા આવ્યા છે. તેઓ હાલમાં PEN ઇન્ટરનેશનલના રાઇટર્સ પ્રિઝન કમિટીના વડા છે. તેમને જર્નાલિઝમમાં હ્યુમન રાઇટ્સના વિષય પર લખવા બદલ 2015માં મુંબઇ પ્રેસક્લબનો રેડ ઇંક એવોર્ડ પણ એનાયત થયો છે.

તેમનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ થવાને પગલે સાહિત્ય, રાજકારણ અને પત્રકારત્વ જગતમાંથી પડઘા ઉઠ્યા છે અને આ આખી વાતની આકરી ટિકા કરવામાં આવી છે. મજાની વાત એ છે કે લોકોએ ટ્વિટર સામેનો પોતાનો રોષ અને અણગમો ટ્વિટર પર જ ઠાલવ્યા હતા. 

શશી થરૂરે તેમના ટ્વીટમાં આ રીતે પોતાનો અભિપ્રાય આપ્યો હતો...

જાણીતા લેખક અને ઇતિહાસકાર વિલિયમ ડાર્લિમ્પલે કંઇક આ રીતે ટ્વિટરના પગલાંની ટિકા કરી.

મિડનાઇટ્સ ચિલ્ડ્રનના લેખક સલમાન રશ્દીએ પણ આ ઘટનાને વખોડી છે. આ આખી વાતને તેમણે સેન્સરશીપનું ભયાનક પગલું ગણાવ્યું છે.

મેક્સિમમ સિટીના સર્જક સુકેતુ મહેતાએ પણ સલિલના યોગદાનની મહત્તાને ટાંકીને આ રીતે તેમનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવું યોગ્ય નથી તેવી લાગણી વ્યક્ત કરી હતી.

મેન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ જીતનારા અમિતવ ઘોષે પણ આઘાત વ્યક્ત કર્યો હતો.

સલિલ ત્રિપાઠીનું એકાઉન્ટ રવિવારે સસ્પેન્ડ કરાયું. જાણીતા પત્રકાર આકાર પટેલે પણ આ અંગે ટ્વીટ કર્યું હતું અને ધારદાર કટાક્ષ કર્યો હતો.

લેખક મીરા કામદારે તો ટ્વિટરે, સલિલ ત્રિપાઠીની માફી માંગીને તેમનું એકાઉન્ટ રિસ્ટોર કરવું જોઇએ તેવી માંગ કરી.

 અન્ય ટ્વિટર યૂઝરે પણ આ આખી વાતને લાગણીનું અપમાન ઠેરવીને કંઇ આ રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો.

 ફિલ્મ મેકર અને વરિષ્ઠ પત્રકાર બીના સરવારે પોતાની પ્રતિક્રિયા આ શબ્દોમાં બાંધી હતી.

 જુઓ અન્ય પ્રતિક્રિયાઓ જેમાં ટ્વિટરનું આ પગલું સતત ટિકાને પાત્ર બની રહ્યું છે.

રાજદીપ સરદેસાઇએ પણ કંઇ આ રીતે પોતાનો મત રજૂ કર્યો હતો.

હંમેશા પોતાના વિચારોને સ્પષ્ટતાથી રજૂ કરનારા વિશાલ દદલાનીએ પણ આ વાતથી પોતાને આઘાત લાગ્યો હોવાની લાગણીનો પડઘો પાડ્યો હતો.

વકીલ અને એક્ટિવિસ્ટ પ્રશાંત ભૂષણ જેમને સુપ્રિમ કોર્ટે કોન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ હેઠળ દોષી ઠેરવ્યા હતા અને તેમના બે ટ્વીટ્સ બદલ તેમને એક રૂપિયાનો દંડ ફટકાર્યો હતો તેમણે ટ્વિટરના આ પગલાંને આઉટરેજિયસ એટલે કે ભયંકર ગણાવ્યું.

આતિશ તાસિર જે જાણીતા લેખક છે તેમણે પણ સલિલ ત્રિપાઠીનો સાથ આપતા પોતાની વાત રજૂ કરી.

વરિષ્ઠ પત્રકાર શેખર ગુપ્તાએ આકરા શબ્દોમાં ટ્વિટરના રેવન્યુ મૉડલને ઝાટક્યું હતું.

દિલ્હીની પત્રકાર અને લેખક નિલાંજના રોયે પોતાનો પ્રતિભાવ આ શબ્દોમાં ટાંક્યો હતો.

ફિલ્મ મેકર વિવેક અગ્નિહોત્રીએ પણ ટ્વિટરનું આ પગલું ખોટું છે તેમ કહી ટ્વિટરને આસ્થા ચેનલ બની જવા કહ્યું હતું.

આખીય ઘટના અંગે યુએસએ સ્થિત સલિલ ત્રિપાઠી સાથે જ્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમએ વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે, "'ટ્વિટર એક ખાનગી કંપની છે અને તેમનું કહેવું છે કે તેમની પૉલીસીને આધારે તેઓ નક્કી કરે છે કે તેમના પ્લેટફોર્મ પર શું કહી શકાય અને શું નહીં. આ તેમનો અધિકાર છે. પ્લેટફોર્મ પર મારે શું કહેવું એ મારો અધિકાર છે. જ્યારે ટ્વિટર કોઇને પણ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરે ત્યારે તેમણે તૈયાર રહેવું પડે કે તેમને 'જજ' કરાશે, તેમને અંગે પણ લોકો અભિગમ બાંધશે, જો તેઓ આ નીતિઓ સતત અને કોઇપણ પ્રકારના ભેદભાવ વગર લાગુ કરતા હોય તો ખાસ. જો કે આ મામલે તેમનો રેકોર્ડ ઘણો નબળો રહ્યો છે. મેં એવું કશું પણ નથી કર્યું જે અંગે મારે અફસોસ વ્યક્ત કરવો જોઇએ; હવે નિર્ણય એમણે કરવાનો છે, બૉલ તેમના કોર્ટમાં છે."

ટ્વિટરને જ્યારે અમુક સવાલો સાથે ઇમેઇલ કરાયો ત્યારે તેમના તરફથી જવાબ વાળવામાં આવ્યો કે, "તમે જે એકાઉન્ટ સંદર્ભે સવાલ કરી રહ્યા છો તે હંગામી ધોરણે સસ્પેન્ડ કરાયું છે કારણકે તેના પરથી થયેલ પોસ્ટ અમારી 'એબ્યુઝિવ બિહેવિયર પૉલિસી'નો ભંગ કરનારી હતી. એકાઉન્ટ હોલ્ડરને ફરી એક્સેસ જોઇતો હોય તો તેણે એબ્યુઝિવ કોન્ટેન્ટને એડિટ કરવું પડશે અથવા હટાવી લેવું પડશે." આ પછી તેમણે ઉમેર્યું હતું કે અહીં જે નિયમો લાગુ પડે છે તે વિશે આ લિંક પરથી જાણી શકાશે અને તેના નિયમોને લગતી લિંક પણ શૅર કરી હતી.

આ પહેલા ટ્વિટરે જૂનમાં લેખક પત્રકાર આકાર પટેલનું ટ્વિટર એકાઉન્ટ પણ સસ્પેન્ડ કર્યું હતું, તેમને 2જી સપ્ટેમ્બરે અટકમાં લેવાયા હતા કારણકે તેમની સામે ભાજપા સુરત પશ્ચિમના એમએલએ પુર્ણેશ મોદીએ ફરિયાદ નોંધાવી હતી. આકાર પટેલે ગુજરાતની ઘાંચી કોમની વિરુદ્ધ અયોગ્ય ટ્વીટ્સ કર્યા હોવાના આરોપ તેમની પર મૂકાયો હતો. આકાર પટેલ એમનેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયાના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. 

(ઇનપુટ્સઃ કાર્તિક ભારદ્વાજ)

shashi tharoor international news gujarat riots babri masjid