મહિલાએ પતિનો મૃતદેહ ત્રણ વર્ષ સાચવી રાખ્યો

21 November, 2012 06:14 AM IST  | 

મહિલાએ પતિનો મૃતદેહ ત્રણ વર્ષ સાચવી રાખ્યો

રશિયાના સેમીબ્રેતોવો નામના ટાઉનમાં ગત જુલાઈમાં એક પુરુષનો મૃતદેહ મળી આવ્યા બાદ આ હકીકત બહાર આવી હતી. આ પુરુષનું બીમારીને કારણે મૃત્યુ થયું હતું પણ તે જીવતો થશે એ આશાએ તેની પત્નીએ શરીરમાં રસાયણો ભરીને મૃતદેહને સાચવી રાખ્યો હતો. એટલું જ નહીં, આ મહિલાએ પતિના મૃતદેહ સાથે વાતચીત કરતા રહેવાનો બાળકોને આદેશ આપ્યો હતો.

સ્થાનિક પોલીસના જણાવ્યા પ્રમાણે ૨૦૦૯માં પતિનું મૃત્યુ થયું હતું, પણ તેની વાઇફ આ વાત સ્વીકારવા તૈયાર ન હતી. તેણે અપાર્ટમેન્ટના એક રૂમમાં પતિનો મૃતદેહ સાચવી રાખ્યો હતો અને તેની કાળજી લેવા બાળકોને કહ્યું હતું.

રસપ્રદ વાત એ છે કે આ મહિલા ક્યારેય એ રૂમમાં જતી ન હતી, તેને એવી બીક હતી કે મૃતદેહને સ્પર્શ થઈ જશે તો પતિ પાછો જીવતો નહીં થાય. એ પછી ગત જુલાઈમાં આ પરિવાર બીજે ક્યાંક રહેવા જવાનો હતો ત્યારે મહિલાની નવ અને ૧૪ વર્ષની બે દીકરીઓએ મળીને મૃતદેહને નજીકના ડસ્ટબિનમાં ફેંકી દીધો હતો. એ પછી આખી ઘટના બહાર આવી હતી. પોલીસે કોઈ પણ વ્યક્તિ સામે ફરિયાદ નોંધ્યા વિના કેસ બંધ કર્યો હતો.