ભારતની ૧૨ કંપનીઓએ રશિયાની ડાયમન્ડ માઇનિંગ કંપની સાથે ૨.૧ અબજ ડૉલરના કરાર કર્યા

12 December, 2014 05:35 AM IST  | 

ભારતની ૧૨ કંપનીઓએ રશિયાની ડાયમન્ડ માઇનિંગ કંપની સાથે ૨.૧ અબજ ડૉલરના કરાર કર્યા


ભારતની ૧૨ કંપનીઓ રશિયાની અગ્રણી ડાયમન્ડ માઇનિંગ કંપની અલરોસા પાસેથી આગામી ત્રણ વર્ષમાં ૨.૧ અબજ ડૉલરના ડાયમન્ડની સીધી ખરીદી કરશે. અહીં નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન દ્વારા જેનું ઉદ્ઘાટન થયું હતું એ વલ્ર્ડ ડાયમન્ડ કૉન્ફરન્સમાં આ ૧૨ ભારતીય કંપનીઓએ આ સંબંધી અલરોસા સાથે ૩ વર્ષના કરાર કર્યા છે એવી માહિતી જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સર્પોટ પ્રમોશન કાઉન્સિલના ચૅરમૅન વિપુલ શાહે આપી હતી.

રશિયા ડાયમન્ડનું સૌથી વિશાળ ઉત્પાદન મથક છે, જ્યારે ભારત કટ અને પૉલિશ્ડ ડાયમન્ડનું મુખ્ય મૅન્યુફૅક્ચરિંગ સેન્ટર છે. આ કરાર હેઠળ અલરોસા ભારતની કંપનીઓને દર વર્ષે ૭૦૦ મિલ્યન (૭૦૦૦ લાખ) ડૉલરના ડાયમન્ડ સપ્લાય કરશે. આ સીધી ખરીદીને કારણે ડાયમન્ડ કંપનીઓનું જંગી કમિશન બચી જશે, જે તેમણે ટ્રેડિંગ હબ સમાન પાર્ટીઓને ચૂકવવું પડતું હોય છે. સામાન્ય રીતે ભારત રફ ડાયમન્ડની ખરીદી દુબઈ, ઍન્ટવર્પ અને બેલ્જિયમથી કરતું હોય છે. આ સીધી ખરીદીના કરારથી રશિયાને પણ લાભ થશે.